ગાંધીધામ, તા. 23 : ભચાઉના
કડોલમાં રસ્તા પર ચાલવા બાબતે ઉશ્કેરાઇ જઇ ત્રણ શખ્સે પિતા-પુત્ર ઉપર હુમલો કરતાં વૃદ્ધ
પિતાને હાથ-પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. કડોલમાં ડી.પી. નગરમાં રહેનાર ગોપાલ
ઢીલા (આહીર) તથા તેના કાકા હમીરાભાઇ ગત તા. 20/3ના
બપોરના અરસામાં જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં રૂપા મેરામણ,
અમરા હરિ, મેરામણ કરશને માર્ગ રોકી રસ્તા પર ચાલવા
મુદ્દે ગાળાગાળી કરી હતી, જેથી ગોપાલે પોતાના પિતા બનાવના ફરિયાદી
મહાદેવ હરિ ઢીલાને ત્યાં બોલાવ્યા હતા, તે ત્યાં આવતાં આરોપીઓ
ઉશ્કેરાઇ ગયા હતા અને લોખંડના પાઇપથી પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો અને વૃદ્ધને સારવાર
માટે લઇ જવાતાં તેમને હાથ અને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું
હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.