નવી દિલ્હી, તા. 23 : અમેરિકા
અને ઈઝરાયલ સાથે યુદ્ધ લડી રહેલું ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર જહાજો પાસેથી
વસૂલાત કરી રહ્યું છે. અહેવાલ છે કે અમુક જહાજોને પસાર થવા દેવા માટે લાખો ડોલર
લેવામાં આવી રહ્યા છે. આ રકમ 20 લાખ ડોલર આસપાસ હોવાના અહેવાલો
સામે આવ્યા છે. ઈરાનના જ એક સાંસદ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા ઈરાને
ધમકી આપી હતી કે જો અમેરિકાર તરફથી હુમલો કરવામાં આવશે તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પૂરી
રીતે બંધ કરી દેવામાં આવશે. ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર ઈરાનની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા
સમિતિના સભ્ય અલાદીન બ્રૂજેર્દીએ કહ્યું હતું કે, હોર્મુઝમાંથી પસાર થવા માટે ચાર્જનું પગલું
પહેલા જ લાગુ કરી દેવાયું છે. યુદ્ધનો પોતાનો ખર્ચ હોય છે આ માટે સ્વાભાવિક રીતે
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો પાસેથી ટ્રાન્ઝિટ શુલ્ક લેવો જોઈએ.
બ્રૂજેર્દીએ ડોનાલ્ડો ટ્રમ્પની ચેતવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ટ્રમ્પે
કહ્યું હતું કે જો 48 કલાકમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ
ખોલવામાં નહી આવે તો અમેરિકા ઈરાનના વિજળી અને ઉર્જાના એકમોને નિશાન બનાવી શકે છે.
જેના જવાબમાં બ્રૂજેર્દીએ કહ્યું હતું કે ઈઝરાયલના ઊર્જા એકમો પણ ઈરાનના દાયરામાં
છે અને તેને એક જ દિવસમાં પુરી રીતે તબાહ કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં
અમેરિકાના રાજદૂત માઈક વોલ્ટ્ઝે રવિવારે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન મુદ્દે રેડ લાઈન અંગે અડગ છે. ઈરાનને દુનિયાને ઊર્જા
આપૂર્તિને બંધ બનાવવા દેવાશે નહી. આ અગાઉ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ઈરાન 48 કલાકમાં
હોર્મુઝ નહી ખોલે તો ઈરાનના વિજ સંયંત્રોને પૂરી રીતે તબાહ કરી દેવાશે.