• મંગળવાર, 24 માર્ચ, 2026

એક હપ્તો ભરવાથી જીવન વિમાની 50 લાખની રકમ પણ મળી શકે

ભુજ, તા. 23 : જીવન વીમા ક્લેઈમ રૂા. પચ્ચાસ લાખ વ્યાજ તથા ખર્ચ સહિત ચુકવવા વીમા કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કમિશન ભુજે ચુકાદો આપ્યો હતો. માધાપરના પ્રશાંતકુમાર દુધૈયા દ્વારા પોતાની હયાતીમાં આઈ.સી.આઈ.સી.આઈ. પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી કોરોના સમયગાળા દરમિયાન વર્ષ 2020થી વર્ષ 2042 સુધીના 22 વર્ષ માટેની જીવન વીમા પોલીસ વાર્ષિક રૂા. 13,013/- પ્રીમિયમ ભરવાની શરતે રૂા. 50,05,000/- (અંકે રૂા. પચાસ લાખ પાંચ હજાર) રકમની જીવન વીમા પોલીસી દ્વારા વીમા કવચ મેળવ્યો હતો. ફરિયાદી જિજ્ઞાબેનના પતિ પ્રશાંતભાઈએ પ્રથમ પ્રીમિયમની રકમ તા. 24/12/2020ના જમા કરાવી પરંતુ ત્યારબાદ તેમને 2021ના અરસામાં કોરોનાની બીમારી લાગુ થતા અને તે અમદાવાદમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જુદા-જુદા કારણો આપી વીમા કંપનીમાં ક્લેઈમ નામંજૂર કર્યો હતો.  નામંજૂરના નિર્ણયથી નારાજ થઈ ફરિયાદીએ ગ્રાહક તકરાર નિવારણ કમિશન (કચ્છ), ભુજ-કચ્છ સમક્ષ વીમાની રકમ રૂા. 50,05,000/- તથા શારીરિક માનસિક યાતના તથા કાનૂની કાર્યવાહીના ફી ખર્ચની રકમ 9 ટકા વ્યાજ સહિત ચુકવવા ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી. બંને પક્ષની રજૂઆતો, પુરાવાના સોગંદનામા તથા દસ્તાવેજી આધારો ચકાસી, લેખિત દલીલો તથા રજૂ કરેલ કાનૂની ચુકાદાઓ તપાસી અને ફરિયાદ પક્ષની રજુઆત કે, વીમો લેનાર દ્વારા ક્લેઈમ ફોર્મ રજૂ કરતી વખતે જાતે કોઈ ખોટા દસ્તાવેજો મેળવી બનાવી રજૂ કર્યા નથી અને મરનારની વાર્ષિક પ્રીમિયમની રકમ પોલીસી પિરિયડ દરમિયાન ભરવાની આર્થિક ક્ષમતા તેઓ ધરાવતા હતા અને તેવા આધાર પુરાવા રજૂ કરી સાબિત કરવામાં આવતા તથા વીમા ક્લેઈમ નામંજૂર કરવાનો નિર્ણય એકતરફી હોવાનું જણાવીને નામદાર કમિશન પ્રમુખ એ.પી. કંસારા તથા સભ્ય પી.વાય. જોશી દ્વારા ઠરાવી અને વીમા કંપનીએ ફરિયાદીને વીમા ક્લેઈમની રકમ રૂા. 50,05,000/- તથા રૂા. 25,000/- માનસિક ત્રાસની રકમ તથા રૂા. 10,000/- ખર્ચની રકમ તેમજ ફરિયાદ અરજીની તારીખથી 7 ટકા વ્યાજ ચૂકવવા માટે વીમા કંપની વિરુદ્ધ હુકમ કર્યો હતો અને જો વીમા કંપની રોજ 45માં તેવી તમામ રકમ ન ચૂકવે તો 9 ટકા લેખે વ્યાજ ચૂકવવા ફરજ પડશે તેવો હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષના વકીલ તરીકે મહેન્દ્રભાઈ ઠક્કર, ચિંતલ ઠક્કર, કુલીન ભગત તથા કોમલ ઠક્કર રહ્યા હતા.

Panchang

dd