• મંગળવાર, 24 માર્ચ, 2026

સુભાષપર પાસે માર્ગ અકસ્માતમાં મોતના ગુનાનો સાત વર્ષથી નાસતો આરોપી પકડાયો

ભુજ, તા. 23 : વર્ષ 2019ના જાન્યુઆરીમાં દયાપરથી સુભાષપર વચ્ચે કમાન્ડર અને ઈન્ડિકા કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કમાન્ડરના ચાલક હારૂન જુસબ જત (રહે. આશલડી, તા. લખપત)નું મોત થયું હતું. ઈન્ડિકા કારચાલક ગાડી મૂકી નાસી ગયો હતો. આ ગુનાનો છેલ્લા સાત વર્ષથી નાસતો આરોપી રાકેશકુમાર મહાવીરપ્રસાદ સૈની (રાજસ્થાન)ને મોબાઈલ લોકેશનના આધારે વડોદરાથી પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો છે. આ અંગે પેરોલ સ્ક્વોડે જાહેર કરેલી વિગતો મુજબ પીઆઈ જે.કે. બારિયા તથા પીએસઆઈ એમ.એલ. વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ તા. 17/2થી પાંચ દિવસ સુધી રાજસ્થાનમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા. આરોપી રાકેશકુમારના સરનામે જઈ તપાસ કરતાં ત્યાં હાજર મળ્યો નહીં. આથી સગા-સંબંધીઓના નિવેદન તથા આધારકાર્ડ અને અન્ય પુરાવા તેમજ રાકેશકુમારના મોબાઈલ નંબર લીધા હતા. આ મોબાઈલ નંબરના સીડીઆર મગાવી ટેકનિકલ એનાલિસીસના આધારે ગઈકાલે રાકેશકુમારનું લોકેશન વડોદરામાં મળતાં વડોદરાની ગોત્રી પોલીસની મદદથી આરોપીને ઝડપી દયાપર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં સ્ક્વોડના પીઆઈ શ્રી બારિયા, પીએસઆઈ શ્રી વાઘેલા સાથે એએસઆઈ હરિલાલ બારોટ, પુંજાભાઈ ચાડ, હે.કો. કનકસિંહ ગોહિલ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બળવંતસિંહ જાડેજા, કોન્સ. અશોકસિંહ ઝાલા, નીરુબેન મૂળી તથા ડ્રાઈવર હે.કો. સુરેશભાઈ ચૌધરી જોડાયા હતા.

Panchang

dd