દુબઈ, તા. 23 : ભારતીય
ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા તેની કેરિયરમાં પહેલીવાર આઇસીસી મહિલા ટી-20 બોલિંગ
ક્રમાંકમાં ટોચના સ્થાને પહોંચી છે. બીજી તરફ ભારતની નંબર વન બેટર સ્મૃતિ મંધાનાને
ખસેડીને દ. આફ્રિકી કેપ્ટન લોરા વુલફાર્ટ ટોચનાં સ્થાને આવી ગઈ છે. શ્રીલંકા
સામેની પ્રથમ ટી-20 મેચમાં દીપ્તિ શર્માએ 1 વિકેટ લીધી હતી. આથી તેણે
ઓસ્ટ્રેલિયન બોલર એનાબેલ સદરલેન્ડને પાછળ રાખીને 737 રેટિંગ પોઇન્ટ સાથે નંબર વન બોલર
બની છે જ્યારે વુલફાર્ટે આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં 124 અને
અણનમ 100 રનની ઇનિંગ્સ રમી હતી. જેનું તેને ઇનામ
મળ્યું છે. તે હવે સ્મૃતિ મંધાના પર 9 રેટિંગ પોઇન્ટની સરસાઇથી ટોચની
બેટર બની છે. સ્મૃતિ હવે બીજાં સ્થાને છે. ભારતીય મહિલા ટીમની યુવા મીડલઓર્ડર બેટર
જેમિમા રોડ્રિગ્સે શ્રીલંકા સામે 69 રન કર્યા હતા તે હવે પાંચ સ્થાન
ઉપર આવીને નવમા ક્રમે પહોંચી છે. જેમિમા કેરિયરમાં પહેલીવાર ટોપ ટેન બેટરમાં સામેલ
થઈ છે.