ગાંધીધામ, તા. 23 : ભચાઉ
તાલુકાના સામખિયાળી નજીક ભંગારના વાડાનું સંચાલન કરનારા શખ્સોએ ટ્રકચાલકોને લાલચ આપી
તેમની પાસેથી સળિયા એકઠા કરી બારોબાર વેચી દેતા હતા. આ વાડામાં પોલીસે છાપો મારી રૂા.
5,57,150ના સળિયા સાથે શખ્સની અટક કરી
હતી. સામખિયાળીથી લાકડિયા તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક આવેલા ભંગારના વાડાના સંચાલકો
અહીંથી પસાર થતાં ટ્રકચાલકોને રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી લોખંડના સળિયા મેળવી
બાદમાં બારોબાર વેચી દેતા હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ અહીં કાર્યવાહી કરી
હતી. આ વાડામાં તપાસ કરાતાં ભંગારની આડમાં સંતાડેલા લોખંડના સળિયા મળી આવ્યા હતા. અહીં
હાજર મળેલા જગદીશ ખીમજી મહેશ્વરી પાસેથી આ સળિયા અંગે આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો
ન હતો અને પોતે તથા પોતાના ભાઇઓ રાજેશ, પીયૂષ ખીમજી મહેશ્વરી વાડાનું સંચાલન
કરે છે તથા ટ્રકચાલકોને પૈસા આપી સળિયા મેળવી બારોબાર વેચી દેતા હોવાનું જણાવ્યું હતું.
આ પકડાયેલા શખ્સ પાસેથી જુદા-જુદા આકારના રૂા. 5,57,150ના સળિયા તથા સળિયા કાપવાનું કટર મશીન એમ કુલ રૂા.
5,62,150નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આ શખ્સો કોને-કોને સળિયા વેચતા હતા, ચોરાઉ સળિયા કોણ-કોણ વાપરતા હતા તે
સહિતની દિશામાં પણ કાર્યવાહી થવી જોઇએ. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલ.સી.બી.ની
સફળ કાર્યવાહીથી સ્થાનિક પોલીસમાં દોડધામ થઇ પડી હતી.