નવી દિલ્હી, તા.23: ભગવદ
ગીતાને વિદેશી દાનનાં અધિનિયમ-એફસીઆરએનાં ઉદ્દેશો માટે ધાર્મિક ગ્રંથ માની શકાય
નહીં તેવી મહત્વની સ્પષ્ટતા મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠે કરી છે. અદાલતે કહ્યું
હતું કે, કેવળ
ગીતા અને યોગનું શિક્ષણ કે તાલીમ આપવાનાં આધારે કોઈ ટ્રસ્ટને એફસીઆરએ નોંધણીથી
વંચિત કરી શકાય નહીં. ન્યાયમૂર્તિ જી. આર. સ્વામીનાથનની પીઠે અર્શ વિદ્યા પરંપરા
ટ્રસ્ટની અરજી ઉપર સુનાવણી કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં એ નિર્ણયને રદ કરી
નાખ્યો હતો જેમાં ટ્રસ્ટની એફસીઆરએ નોંધણીને નકારી કાઢવામાં આવી હતી. અદાલતે રદ
કરેલા આદેશને અપૂરતા તર્ક અને પ્રક્રિયાત્મક ત્રુટિઓનાં આધારિત ગણાવ્યો હતો.
કોર્ટે ગૃહ મંત્રાલયને ટ્રસ્ટની અરજી ઉપર ત્રણ માસની અંદર પુનર્વિચાર કરવાનો
નિર્દેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અર્શ વિદ્યા પરંપરા
ટ્રસ્ટની સ્થાપના 2017માં થઈ હતી અને 2021માં
એફસીઆરએ નોંધણી માટે આવેદન કર્યું હતું. જે ઘણાં વર્ષ સુધી લટકતું રહ્યું હતું અને
આખરે 2024-2પમાં ગૃહ મંત્રાલયે સ્પષ્ટતાઓ માગી હતી
અને ગત સપ્ટેમ્બર માસમાં તેની અરજી નકારી કાઢી હતી. ટ્રસ્ટ તરફથી આ નિર્ણયને
હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે ટ્રસ્ટને એફસીઆરએ લાયસન્સ નહીં
આપવાનાં મુખ્ય આધાર તરીકે કહ્યું હતું કે,
ટ્રસ્ટ ભગવદ ગીતા, ઉપનિષદ, વેદાંત અને સંસ્કૃતનાં શિક્ષણ આધારિત છે. તેથી તે ધાર્મિક સંગઠન પ્રતીત
થાય છે. અદાલત તરફથી આ તર્કને ઉંડાણપૂર્વક તપાસવામાં આવ્યો હતો અને અગાઉની ન્યાયિક
ટિપ્પણીઓનો હવાલો આપીને કહ્યું હતું કે, ભગવદ ગીતા ધાર્મિક
ગ્રંથ નથી. તે નીતિ વિજ્ઞાન છે. ગીતાને કોઈ એક ધર્મ સુધી સીમિત કરી શકાય નહીં. એ
ભારતીય સભ્યતાનો હિસ્સો છે. આવી જ રીતે વેદાંત એક દાર્શનિક પ્રણાલી છે અને યોગ
શારીરિક અને માનસિક કલ્યાણ માટેનો અભ્યાસ છે. તેની તાલીમ કે શિક્ષણ આપવાથી કોઈ
સંસ્થા કે સંગઠન ધાર્મિક બની જતાં નથી.