ગાંધીધામ, તા. 23 : પતંગનું
પર્વ મકરસંક્રાતિ નજીક આવી રહી છે. પતંગરસિકોને દોરી, ફીરકી, માંઝા પૂરા પાડવા વેપારીઓએ કમર કસી લીધી છે. આવામાં
ગાંધીધામ, આદિપુર, અંજાર વગેરે જગ્યાએ પ્રતિબંધિત
એવી ચાઈનીઝ દોરી પણ આવી પહોંચી હોવાનું મનાય છે. ભચાઉમાં પોલીસે બે વખત કાર્યવાહી કરી
છે, પરંતુ અન્યત્ર કોઈ પગલાં દેખાતાં નથી. ઢાબા, છત ઉપર ચઢીને આખો દિવસ પતંગ ચગાવવા, દાન, પુણ્ય કરવાનું પર્વ મકરસંક્રાંતિ આવી રહી છે. પોતાની દોર, પતંગ કપાય જ નહીં અને સામાવાળાની દોર કપાય તથા મેં સૌથી વધુ પતંગ કાપ્યા તેવું
ગૌરવભેર કહેવા માટે અનેક લોકો પ્લાસ્ટિકની એવી ચાઈનીઝ દોર વાપરતા હોય છે. પ્રતિબંધિત
એવી આ દોરના કારણે અહીં અગાઉ અનેક લોકોના હાથ,
ગળા વગેરેમાં ઈજાઓ પહોંચી છે તેમજ અનેક અબોલ પક્ષીઓનાં મોત થયાં છે.
હાલમાં જિલ્લા કલેકટરે તા. 18/11થી
16/1/2026 સુધી ચાઈનીઝ દોરી, ફીરકી, તુક્કલના ખરીદ, વેચાણ સંગ્રહ
અંગે જાહેરનામું બહાર પાડયું છે. બીજી બાજુ લોકોની માંગને પહોંચી વળવા ગાંધીધામ,
આદિપુર, અંજારમાં વેપારીઓએ કમર કસીને માલ મગાવી
પણ લીધો છે, પરંતુ અમુક વેપારીઓએ ગમે તેમ સેટિંગ પાડીને પ્રતિબંધિત
ચાઈનીઝ દોરી પણ મગાવી લીધી અને સંગ્રહ કરી લીધી હોવાનું સપાટી ઉપર આવ્યું છે. જેમ-જેમ
ઉત્તરાયણ નજીક આવશે તેમ પોતાનો આ માલ લોકોને
પધરાવી દેવામાં આવશે અને બાદમાં આવી દોર થકી પક્ષીઓ મોતને ભેટશે, લોકોના ગળા, હાથ, આંગળા કપાશે.
ભચાઉ પોલીસે આ અંગે કાર્યવાહી કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોર સાથે અમુક શખ્સોને પકડી
પાડયા હતા. ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, સામખિયાળીમાં પોલીસ આવી દોર ઝડપી પાડવા કાર્યવાહી
શું કામ નહીં કરતી હોય તેવા પ્રશ્નો ઉછળીને બહાર આવ્યા છે. કોઈના વહાલસોયાનો જીવ જાય
તે પહેલાં આવો પ્રતિબંધિત માલ જપ્ત કરાય તે સમયની માંગ છે.
ભચાઉમાં ચાઈનીઝ દોરી સાથે શખ્સની ધરપકડ
ગાંધીધામ, તા. 23 : ભચાઉમાં
પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા શખ્સને પકડી પાડી રૂા. 13000ની ફીરકી જપ્ત કરાઈ હતી. ભચાઉના રામવાડી વિસ્તારમાં
એચ.ડી.એફ.સી. બેંકની સામે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં ઉત્તરાયણ નિમિત્તે દોરી, ફીરકી વેચતા ધ્રુવગિરિ દિનેશગિરિ ગોસ્વામી પાસે જઈ ત્યાં રહેલા બોક્સની પોલીસે
તપાસ હાથ ધરી હતી. આ બોક્સમાંથી ચાઈનીઝ દોરથી બનેલી ફીરકી મળી આવી હતી. આ શખ્સ પાસેથી
રૂા. 13000ની 26 ફીરકી જપ્ત કરી તેની અટક કરવામાં આવી હતી.