મેલબોર્ન, તા.23 : એશિઝ
સિરીઝની વધુ એક ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ બહાર થયો છે. ત્રીજી
ટેસ્ટમાં વાપસી સાથે 6 વિકેટ લેનાર કમિન્સ પીઠની ઈજાને
લીધે શુક્રવારથી શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટનો હિસ્સો બનશે નહીં. આથી ફરી એકવાર
સ્ટિવન સ્મિથ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળશે. અનુભવી સ્પિનર નાથન લિયોન ઇજાગ્રસ્ત
હોવાથી તે પણ ઇંગ્લેન્ડ વિરુદ્ધના ચોથી ટેસ્ટની બહાર થયો છે. આથી ઓસ્ટ્રેલિયાની
ટીમમાં ઝડપી બોલર જાય રિચર્ડસન અને સ્પિનર ટોડ મર્ફીનો સમાવેશ કરાયો છે. સ્મિથે
પીઠની તકલીફને લીધે ત્રીજી ટેસ્ટ ગુમાવી હતી. તે હવે ઇનચાર્જ કેપ્ટન બની પુનરાગમન
કરશે. પ મેચની એશિઝ સિરીઝમાં હાલ ઓસ્ટ્રેલિયા 3-0ની અતૂટ સરસાઈ ધરાવે છે અને તેની
નજર ઇંગ્લેન્ડ ટીમની ક્લીન સ્વીપ કરવા પર છે. 23 વર્ષીય ટોડ મર્ફીએ અત્યાર
સુધીમાં 7 ટેસ્ટ મેચમાં 22 વિકેટ લીધી છે. તેણે તમામ ટેસ્ટ
વિદેશમાં અને ખાસ કરીને એશિયા ઉપખંડમાં રમી છે. જો તેને મેલબોર્નમાં તક મળશે તો 14 વર્ષમાં
પહેલીવાર ઘરેલુ મેદાન પર લિયોન સિવાય અન્ય કોઇ સ્પિનર રમશે જ્યારે જાય રિચર્ડસનને
એક વર્ષ પછી ઓસ્ટ્રેલિયા ટીમમાં જગ્યા મળી છે. તે ખભાની સર્જરી પછી વાપસી કરી
રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા ટીમ: સ્ટિવન સ્મિથ
(કેપ્ટન), એલેક્સ
કેરી, જેક વેદરાલ્ડ, ઉસ્માન ખ્વાઝા,
માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, જોશ ઇંગ્લિશ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેંડ, બ્રેંડન
ડોજેટ, ટોડ મર્ફી, માઇકલ નેસર, જાય રિચર્ડસન અને બો વેબસ્ટર.