ભુજ, તા. 23 : અમદાવાદના
શખ્સે મચ્છી ઉછેરના ધંધામાં તગડી કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લઇ મુંદરા નગરપાલિકાના
વિપક્ષી યુવા નેતા સાથે 31 લાખ
રૂપિયાની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે મુંદરા પોલીસ મથકે ઇમરાન સલીમ
જતે નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2019ના
નવેમ્બર દરમ્યાન મદીના ખાતે ઉમરાહ કરવા ગયા હતા, જ્યાં આરોપી અલ્તાફ
હબીબભાઇ સીદાણી (રહે. કાયલા જિ. અમદાવાદ) સાથે મિત્રતા થઇ હતી. ફરિયાદીને મચ્છી ઉછેરના વ્યવસાયમાં મોટું વળતર મળી શકે છે.
આથી તેવામાં રોકાણ કરવા આરોપીએ ફરિયાદી સાથે વિશ્વાસ સંપાદિત કર્યો હતો. માછલી ઉછેર
કેન્દ્ર બનાવવી તથા એક પેઢી (કંપની) બનાવા સહિતના વાયદા આપ્યા હતા. આ માછલીના ધંધાર્થે
ફરિયાદી ઇમરાન પાસેથી આરોપી અલ્તાફે જાન્યુ. 2023થી જૂન-2023 દરમ્યાન
ટુકડે-ટુકડે બેન્ક ટ્રાન્સફરથી કુલ મળીને 31 લાખ
મેળવી લીધા હતા. આ નાણાં ફરિયાદી પોતાના ઘરે તથા ઓફિસે હતા ત્યારે બેન્કમાં ટ્રાન્સફર
કર્યા હતા. આ બાદ કોઇ પણ પ્રકારનો ધંધો કે કેન્દ્ર ન બનાવી તેમજ વળતર ન આપતાં 2024ના અંતમાં ફરિયાદીએ પોતાના રૂપિયા પરત માગતાં આરોપીએ
ત્રણ મહિનાનો સમય માગ્યો હતો. આ બાદ રૂપિયા માટે ફોન કરતાં આરોપીએ ઉશ્કેરાઇને કહ્યું
કે, મારી પાસે રૂપિયા નથી, હવે માગતો નહીં,
તારાથી થાય તે કરી લેજે અને આ બાજુ આવ્યો તો જાનથી મારી નાખીશ,
તેવી ધમકી આપી ફોન કટ કરી દીધો હતો. આ આરોપી અલ્તાફે અન્યો સાથે પણ આ
રીતે વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાનું ફરિયાદીને જાણવા મળ્યું હોવાનું ફરિયાદની વિગતમાં
લખાવાયું છે.