• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

સુરેન્દ્રનગરના કલેક્ટર પર ઇડીના દરોડા

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં આજે વહેલી સવારથી જ ગાંધીનગર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમોએ સપાટો બોલાવતાં સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરથી આવેલી 10થી વધુ ટીમે જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ સહિતના લોકોના નિવાસસ્થાને દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાંધીનગર ઇડીની અલગ અલગ ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના નિવાસે દરોડા પાડયા હતા. નાયબ મામલતદાર (જમીન સંપાદન), ચંદ્રાસિંહ મોરી અને મયૂરાસિંહ ગોહિલ (વઢવાણ) અને ચેતન કણઝરિયા, વકીલ (રતનપર, સોમનાથ ચોક) સહિતના વ્યક્તિઓ પણ ઝપેટમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 5થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડા પાછળનું મુખ્ય કારણ બેનામી સંપત્તિ અને મોટા પાયે થયેલી નાણાની ગેરકાયદે હેરફેર મની લોન્ડારિંગ હોવાનું મનાય છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની કથિત સંડોવણી બહાર આવતાં આ `સરપ્રાઈઝ ચાકિંગ' હાથ ધરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ પ્રબળ બની છે. સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઇડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી. જો કે, જિલ્લાના ઉચ્ચ અધિકારીના ઘરે જ ઇડી ત્રાટકતાં સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડો. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના આઈએએસ અધિકારી છે અને હાલ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. બંને અધિકારીઓ સાથે સંકળાયેલા બેનામી વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે. જો કે, ઈડી દ્વારા સત્તાવાર રીતે તપાસ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવે ત્યારે જ વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે.

Panchang

dd