મુંબઇ, તા. 3 : તાઇવાન ખાતે યોજાયેલી આર્ટિસ્ટિક
રોલર સ્કેટિંગ ઓપન સ્પર્ધામાં મૂળ કચ્છની 13 વર્ષની વિદ્યાર્થિની રિધમ હર્ષલ મામણિયાએ સુવર્ણચંદ્રક મેળવીને
આગામી જુલાઇમાં દક્ષિણ કોરિયામાં યોજાનારી એશિયન રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું
પ્રતિનિધિત્વ કરવાનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. અહીંની વિખ્યાત ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ
સ્કૂલની વિદ્યાર્થિની રિધમ રોલર સ્કેટિંગમાં છ વખત રાષ્ટ્રીય ચેમ્પિયન બની છે અને એવરેસ્ટ
બેઇઝ્ડ કેમ્પ સુધી આરોહણ કરનારી સૌથી યુવાન સાહસિક હોવાનું ગૌરવ ધરાવે છે. 27થી 30 માર્ચ દરમ્યાન સિંચુ ખાતે યોજાયેલી તાઇવાનની પ્રતિષ્ઠિત આર્ટિસ્ટિક
રોલર સ્કેટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવનારી રિધમ પ્રથમ ભારતીય સ્કેટર બની છે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા,
ઇટાલી, સિંગાપુર અને તાઇવાન સહિત આઠ દેશના સ્પર્ધકે
ભાગ લીધો હતો. આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ભારે મુશ્કેલ રમત છે, જેમાં ભાગ લેનારે સ્કેટિંગ કરતાં કરતાં એક્રોબેટિક કાબેલિયતનું પ્રદર્શન કરવાનું
રહે છે. રિધમની આ સફળતાએ ભારતમાં આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ભારે રસ જાગે
તે માટેના સંજોગો ઊજળા કર્યા છે.