• શુક્રવાર, 04 એપ્રિલ, 2025

પરિવાર ભાવના : સુપ્રીમની ટકોર

સુપ્રીમ કોર્ટે એક કેસમાં સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી છે કે, શું આપણે એક વ્યક્તિ, એક પરિવાર ભણી આગળ વધી રહ્યા છીએ? પોતાના નિકટના પરિવારજનોને પણ સહન નથી કરી શકતા. આપણે વાત વસુધૈવ કુટુમ્બકમ્ની કરીએ છીએ, પરંતુ પરિસ્થિતિ એ છે કે, નિકટત્તમ સંબંધી સાથે પણ નથી રહી શકતા. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી વૃદ્ધ માતા-પિતા અને તેમના પુત્રો વચ્ચે સંપત્તિ વિવાદ પર ચુકાદો આપતાં કરી છે. પરિવારોમાં સંપત્તિ વિવાદ તો ચાલ્યા આવે છે, પરંતુ આધુનિક સમાજમાં વધી રહ્યા છે. ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણનાં કારણે `એકલ પરિવારો'ની સંખ્યા વધી રહી છે અને સંયુક્ત પરિવાર વિખેરાઈ રહ્યા છે. બીજી મોટી સમસ્યા એ છે કે, આધુનિક સમાજે જે પ્રકારની ઉપભોક્તા સંસ્કૃતિને જન્મ આપ્યો છે, એવા લોકોની જરૂરિયાતો વધી ગઈ છે. ઉપભોક્તા સંસ્કૃતિએ જે રીતે ભૌતિકવાદને પોષ્યો છે એમાં જીવનની સફળતાની એકમાત્ર કસોટી એ છે કે એની પાસે કયા ઉપભોગનાં કેટલાં સાધન છે. પહેલાના જમાનામાં વ્યવસાય સામૂહિક રહેતો. ખેતી કે કૌટુંબિક કામકાજ બધા સાથે મળીને સંભાળતા, હવે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી પણ નોકરી કે વ્યવસાયની ગેરંટી નથી હોતી. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટને લીધે દુનિયા નાની થઇ જતાં મોજશોખ કે પ્રવાસન પર્યટન માટેની આકાંક્ષાઓ વધી ગઇ છે. સંતાનોનાં શિક્ષણમાં પણ પસંદગીનું ધોરણ ઉચ્ચ બનતાં મોર્ડન મા-બાપ મોંઘી ફી ભરીને પણ ખાનગી શિક્ષણ આપવાનું પસંદ કરે છે. કરકસર કે પૈસા બચાવવાની વિચારસરણી `જૂનવાણી' કહીને વખોડવામાં આવે છે. આ સિનારિયો પણ પરિવારોને છિન્નભિન્ન કરવા માટે જવાબદાર છે. અગાઉ પરિવારથી કોઈપણ વ્યક્તિની ઓળખ સંકળાયેલી રહેતી હતી, આ માટે લોકો પરિવારથી સંકળાયેલા રહેતા હતા. હવે તેની ઓળખ કાર કે કપડાંના બ્રાન્ડથી થાય છે. આ ભૌતિકવાદની મૃગતૃષ્ણા ઈન્સાનની સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઓળખ પર હાવી થઈ ગઈ છે. ભારતમાં પરિવારના સભ્યોમાં અંતર સતત વધતું જાય છે. જમીન સંબંધી વિવાદ ભાઈ-ભાઈની વચ્ચે જ હોય છે અને પ્રકરણ હત્યા સુધી પહોંચી જાય છે. આજનાં સંતાનોને વારસાની સંપત્તિ તો જોઈએ છે, પણ માતા-પિતા સાથે સંબંધો સારા રાખવા તેમની પ્રાથમિકતા નથી હોતી. આવામાં અનેક માતા-પિતા પણ પોતાનાં સંતાનોને બેદખલ કરવા માટે મજબૂર બને છે આ સમય છે. જ્યારે આપણે જાણવાનું રહેશે કે પોતાના લોકોથી સંબંધ અને સંવાદ જ જીવન સાર્થક બનાવે છે. આપણે આપણા સંબંધનો દાયરો એટલો તો જરૂર વધારવો જોઈએ, જેમાં પરિવાર સંપૂર્ણ રીતે સામેલ હોય. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd