દયાપર (તા. લખપત), તા. 3 : અબડાસા તાલુકાના
મુખ્ય મથક નલિયા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 0થી 18 વર્ષ સુધીના
બાળકોને દિવ્યાંગ પ્રમાણપત્ર અપાયાં હતાં. સામૂહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ એમ.કે.
સિન્હાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને
જનરલ હોસ્પિટલ-ભુજનો ધક્કો ન પડે તે હેતુથી અહીં કેમ્પનું આયોજન કરાયું છે અને જનરલ
હોસ્પિટલના પાંચ તબીબની ટીમ વિવિધ ચકાસણી કરી વિકલાંગતાનું પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર
પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફતે જે-તે જગ્યાએ પહોંચતાં કરવામાં આવશે. નલિયા ખાતે આયોજિત
વિકલાંગ પ્રમાણપત્ર કેમ્પમાં આજે બપોર સુધી મોટી કતાર લાગી હતી અને મોટી સંખ્યામાં
લાભાર્થીઓએ લાભ લીધો હતો.