નવી દિલ્હી/ભુજ, તા. 3 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મધરાતે જારી કરેલા ટેરિફ બાદ કચ્છ સોના-ચાંદીના
ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર ચાંદીની કિંમત રૂા. 4000થી વધુ ઘટી હતી, તો સોનાના ભાવમાં પણ કડાકો આવ્યો હતો. આ ઘટાડો
ટ્રમ્પે સોના-ચાંદીને ટેરિફમાંથી છૂટ આપ્યા બાદ થયો હતો, તો સ્થાનિક
બુલિયન બજારમાં પણ દસ ગ્રામ સોનામાં રૂા.1350નો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં રૂા. 4600 ઘટયા હતા. એમસીએક્સ પર ગુરુવારે ચાંદીના ભાવ 4584 રૂપિયા ઘટયા હતા અને એક કિલો
ચાંદીના રૂા. 95169 થઈ ગયા હતા, જ્યારે સોનાના ભાવ 1148 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટતાં રૂા. 89580 પર અટક્યા હતા. જો કે, કોમોડિટી બજાર બંધ થાય ત્યાં સુધી બંને ધાતુમાં
વધુ કડાકો આવ્યો હશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશ પર ટેરિફ દર લાગુ
કર્યા બાદ વૈશ્વિક વ્યાપાર ખોરવવાના ભયે શેરબજાર, કોમોડિટી, કરન્સી
સહિતમાં સાર્વત્રિક વેચવાલી નીકળતાં સોનાં-ચાંદીમાંયે તેની અસરે કડાકો બોલી ગયો હતો.
ગુરુવારના ઘટાડાને પગલે સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 1350નો ઘટાડો થઈ 92,550 રહ્યા હતા, તો ચાંદીમાં રૂા. 4600ના મોટા ઘટાડા સાથે રૂા. 95,700ના ભાવ રહ્યા હતા.