બેંગ્લુરુ, તા. 2 : અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલ સિઝન-18ની 14મી મેચમાં 170 રનના લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સે જોશ બટલર
(73*)ની બળૂકી બેટિંગ થકી બેંગ્લોરને
તેના ઘરઆંગણે 8 વિકેટે હાર આપી હતી. સાઈ સુદશર્ન (49) સાથે બટલરે બીજી વિકેટ માટે
75 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી
નોંધાવી હતી. બેંગલોર તરફથી ભુવનેશ્વર કુમારે ચુસ્ત બોલિંગ કરી ચાર ઓવરમાં 23 રન આપી એક વિકેટ ઝડપી ગુજરાતની રનગતિ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જીતના
ઈરાદે મેદાને ઉતરેલી ગુજરાતની ટીમ વતી સાઈ સુદર્શને 36 દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 49 રન કર્યા હતા, જ્યારે જોશ બટલરે 39 દડામાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 73 રન કરી ટીમની જીતમાં મહત્ત્વની
ભૂમિકા ભજવી હતી, તો કેપ્ટન
ગિલ અને રદરફોર્ડે ટેકો આપ્યો હતો. બીજી તરફ બેંગ્લોરના બોલરો પૈકી ભુવનેશ્વર અને હેઝલવૂડને
1-1 વિકેટ સાંપડી હતી, જ્યાર અન્ય બોલરો નિષ્ફળ રહ્યા હતા. અગાઉ ગૃહ
મેદાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સિઝનની પ્રથમ મેચ રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
ટીમ આઇપીએલની આજની મેચમાં ગુજરાત ટાઇટન્સની બોલિંગ પકડ સામે 20 ઓવરના અંતે 8 વિકેટે 169 રનનો સ્કોર કરી શકી હતી. અહીં સુધી પહોંચવામાં ગુજરાત ટાઇટન્સની
નબળી ફિલ્ડિંગનો પણ લાભ આરસીબીને મળ્યો હતો. આરસીબી તરફથી લિયામ લિવિંગસ્ટને 40 દડામાં 1 ચોગ્ગા અને પ છગ્ગાથી પ4 રનની સર્વાધિક ઇનિંગ્સ રમી હતી, જ્યારે ટિમ ડેવિડે ડેથ ઓવર્સમાં પાવર હિટિંગ
કરીને 18 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી ઝડપી 32 રન કર્યાં હતા. ઇનિંગ્સની અંતિમ ઓવરમાં 18 રનનો ઉમેરો કરી તે અંતિમ દડે
બોલ્ડ થયો હતો. ગુજરાત તરફથી સિરાજે કાતિલ બોલિંગ કરીને 4 ઓવરમાં 19 રનમાં 3 વિકેટ લીધી
હતી. જીટી કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. તેનો આ નિર્ણય સફળ રહ્યો
હતો. આરસીબીએ પાવરપ્લેમાં 38 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. સ્ટાર વિરાટ કોહલી 7, દેવદત્ત પડીક્કલ 14 અને ફિલ સોલ્ટ 14 રને આ દરમિયાન આઉટ થયા હતા.
કેપ્ટન રજત પાટીદાર પણ 12 રન જ કરી
શક્યો હતો. બાદમાં લિવિંગસ્ટન અને જિતેશ શર્મા વચ્ચે પાંચમી વિકેટમાં 38 દડામાં પ2 રનની ભાગીદારી થઇ હતી. જિતેશે 21 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી 33 રન કર્યાં હતા. કુણાલ પંડયા
પ રને આઉટ થયો હતો. ગુજરાત તરફથી સિરાઝની 3 વિકેટ ઉપરાંત સાઇ કિશોરની 2 વિકેટ મુખ્ય હતી. રાશિદ ખાનની નિષ્ફળતા ચાલુ રહી હતી અને 4 ઓવરમાં વિના વિકેટે પ4 રનનો ખર્ચ કર્યો હતો.