નવી દિલ્હી, તા. 3 : ન્યાયતંત્રમાં
પારદર્શકતા અને જનતાનો વિશ્વાસ જાળવી રાખવાના આશય સાથે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયમૂર્તિએ
પદ ગ્રહણ કરતી વખતે જ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવાનો ફેંસલો કર્યો છે. અદાલતની
તાજેતરમાં જ યોજિત બેઠકમાં તમામ 34 ન્યાયમૂર્તિએ
દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ઉપસ્થિતિમાં પોતાની સંપત્તિનો ખુલાસો કરવાના
નિર્ણયનું એલાન કર્યું હતું. તમામ ન્યાયમૂર્તિઓની સંપત્તિની બધી વિગતો સુપ્રીમ કોર્ટની
સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરાશે. જો કે, વેબસાઇટ પર આવી ઘોષણા સ્વૈચ્છિક હશે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિઓની કુલ
સંખ્યા 34 છે, જેમાં અત્યારે એક પદ ખાલી છે. કુલ 30 ન્યાયાધીશે પોતાની સંપત્તિના
ઘોષણાપત્ર આપી દીધા છે. જો કે, તે હજુ
જાહેર નથી કરાયા. દિલ્હી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માના ઘરમાંથી રોકડ મળ્યાના
પ્રકરણથી જામેલી ચર્ચા વચ્ચે આ મહત્ત્વની પહેલ કરાઇ છે. વર્ષ 1997માં તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ
જે. એસ. વર્માએ એક પ્રસ્તાવ પસાર કર્યો, જેમાં ન્યાયમૂર્તિઓ પોતાની સંપત્તિની વિગતો મુખ્ય ન્યાયમૂર્તિને આપે તેવી અપીલ
કરાઇ હતી. ત્યારબાદ 2009માં માહિતી
અધિકાર કાયદા હેઠળ પારદર્શકતાની વધતી માંગ વચ્ચે કેટલાક ન્યાયમૂર્તિઓએ પોતાની મરજીથી
સંપત્તિની વિગતોની ઘોષણા કરી હતી.