કોલકાતા, તા. 3 : સૌથી મજબૂત પૈકીની એક ગણાવાયેલી
સનરાઈઝર્સ હૈદરાબાદને આજે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સે 80 રને કારમી હાર આપી હતી. વેંકટેશ
અય્યરના ધુંઆધાર 60 રનની મદદથી
કેકેઆરે 200 રન ખડક્યા બાદ મેચ ઓફ ધ મેચ
વૈભવ અરોડા (29 રનમાં ત્રણ વિ.) અને વરુણ ચક્રવર્તી
(22 રનમાં ત્રણ વિ.) સામે એચઆરએસના
ધૂરંધર બેટધરો નિષ્ફળ રહ્યા હતા. 9 રનમાં તો ટેવિસ હેડ (4), અભિષેક શર્મા (2) અને ઈશાન કિશન (2) આઉટ થઈ ગયા હતા. ક્લાસેને 21 દડામાં 33 અને કમિન્દુ
મેન્ડિસે 27 રન કર્યા હતા. ટીમ 16.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને
હાલ પોઈન્ટ ટેબલમાં તળિયે છે. અગાઉ નબળી શરૂઆત બાદ વેંકટેશ અય્યર અને રિંકુ સિંહની
ધુંઆધાર બેટિંગ અને અંગક્રિશ રઘુવંશીની અર્ધસદીથી કોલકતા નાઇટ રાઇડર્સ ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 200 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. વેંકટેશે ઇડન ગાર્ડન પર રનની
આતશબાજી કરીને 29 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી વિસ્ફોટક 60 રન કર્યા હતા. તે આખરી ઓવરમાં
આઉટ થયો હતો, જ્યારે રિંકુ સિંહ 17 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી 32 રને નોટઆઉટ
રહ્યો હતો. આ બન્નેની ફટકાબાજીની મદદથી કેકેઆરે આખરી પ ઓવરમાં હૈદરાબાદના બોલરોની ધોલાઇ
કરીને 78 રનનો ઉમેરો કર્યો હતો. અય્યર
અને રિંકુ વચ્ચે પાંચમી વિકેટમાં 41 દડામાં 91 રનની ધુંઆધાર
ભાગીદારી થઇ હતી. કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી. નારાયણ (7) અને ડિ'કોક (1) જલ્દી આઉટ થયા હતા. 16 રનમાં 2 વિકેટ પડયા
પછી કપ્તાન રહાણે અને રઘુવંશી વચ્ચે ત્રીજી વિકેટમાં પ1 દડામાં 81 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કપ્તાન રહાણેએ 27 દડામાં 1 ચોગ્ગો-4 છગ્ગાથી 38 રને અને રઘુવંશીએ
32 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી પ0 રનની ઝડપી
ઇનિંગ્સ રમી હતી. રસેલ 1 રને નોટઆઉટ
રહ્યો હતો. આથી કેકેઆર 6 વિકેટે 200 રને પહોંચ્યું હતું. સનરાઇઝર્સ
તરફથી કપ્તાન કમિન્સ સહિતના બોલર્સને 1-1 વિકેટ મળી હતી.