• શનિવાર, 05 એપ્રિલ, 2025

રામવાવમાં માતાજીનાં મંદિરના નકૂચા તોડી 70 હજારની તફડંચી

ગાંધીધામ, તા. 3 : રાપર તાલુકાના રામવાવમાં આવેલા માતાજીનાં મંદિરના નકૂચા તોડી નિશાચરોએ તેમાંથી રૂા. 70,000ના દાગીના, આભૂષણોની ચોરી કરી હતી. ચોરીના આ બનાવને કારણે ભારે ચકચાર પ્રસરી હતી. રામવાવ ખાતે આવેલા વરચંદ પરિવારના ચામુંડા માતાનાં મંદિરમાં સેવા-પૂજા કરતા ભગવાનગર કેશવગર ગોસ્વામીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 1/4ના સાંજે માતાજીની સેવા, પૂજા કરી વૃદ્ધ એવા આ પૂજારીએ મંદિરને તાળાં મારી પોતાના ઘરે ગયા હતા. બાદમાં ગઇકાલે વહેલી પરોઢે સેવા, પૂજા કરવા આવતાં મંદિરના દરવાજાના નકૂચા તૂટેલા તથા તાળાં લાગેલાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નિશાચરો નકૂચા તોડી નિજ મંદિરમાં પહોંચ્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓએ અર્પણ કરેલા ચાંદીનું તોરણ નંગ-1, માતાજીની ચાંદીની નાની મૂર્તિ નંગ-1, ચાંદીનો નાગ, ચાંદીનું મોટું છત્તર, ચાંદીના 35 નાના છત્તર, ચાંદીના પાંદડાવાળો હાર, ચાંદીનો નાનો હાર, ચાંદીની રામરામીચાંદીનું  બે મુખવાળું મુકુટ, ચાંદીનું નાનું ત્રિશૂલ, ચાંદીનો નાનો રથ, ચાંદીનું નાનું ઘોડિયું વગેરે મળીને કુલ રૂા. 70,000ના દાગીના, આભૂષણોની ચોરી કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસવા, શકમંદોની પૂછપરછ કરવા સહિતની આગળની તપાસ હાથ ધરી છે. વાગડ પંથકમાં ફરી એકવાર મંદિરમાં ચોરીનો બનાવ બનતાં શ્રદ્ધાળુઓમાં ચકચાર સાથે રોષની લાગણી પ્રસરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd