• શનિવાર, 05 એપ્રિલ, 2025

ટ્રમ્પના ટેરિફ વારથી ભારતને કેટલો ફટકો પડશે ?

નવી દિલ્હી, તા. 3 : અમેરિકાનાં 27 ટકા જવાબી ટેરિફથી ભારતનાં અનેક ક્ષેત્ર માટે પડકારજનક સ્થિતિ પેદા થઈ શકે છે. જેમાં 14 અબજ ડોલરનાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર અને 32 અબજ ડોલરનાં રત્ન-આભૂષણ ક્ષેત્રને નવા ટેરિફમાં સૌથી માઠી અસરો થઈ શકે છે. જો કે હાલનાં તબક્કે ઓટો પાર્ટ્સ અને એલ્યુમીનિયમ ઉપર અગાઉથી લાગુ ટેરિફ યથાવત રહેશે, માટે તેનાં ઉપર કોઈ નવી અસરો ઉભી થશે નહીં.  એકંદરે ભારતના અર્થતંત્રને છથી સાત અબજ ડોલરનો  ફટકો પડી શકે છે. અમેરિકામાં આશરે 9 અબજ ડોલરની નિકાસ ધરાવતા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને ટ્રમ્પે જવાબી ટેરિફમાંથી મુક્તિ આપેલી છે. એટલે કે ભારતનાં આ ક્ષેત્રને સૌથી મોટી રાહત મળી છે. આ ઉપરાંત ઉર્જા સંબંધિત ઉત્પાદનોને પણ આમાંથી છૂટ આપવામાં આવી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રને 26 ટકા ટેરિફ મોટી અસર કરશે. જે ભારતનાં અર્થતંત્ર માટે પણ મુશ્કેલી પેદા કરશે કારણ કે ભારતની નિકાસમાં આ ક્ષેત્રનો હિસ્સો 3 ટકા જેટલો મોટો છે. આવી જ રીતે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર ઉપર પણ બોજ વધશે. બીજીબાજુ આઈટી અને સર્વિસ સેક્ટર આમાંથી બચી ગયા છે. જે ભારત માટે મોટી રાહત સમાન છે.  - ભારતનાં જીડીપીને કેટલી અસર: ટ્રમ્પનાં 26 ટકા ટેરિફથી ભારતનાં જીડીપીને કોઈ મોટી માઠી અસર નહીં થાય તેવું તજજ્ઞોનાં હવાલેથી જાણવા મળી રહ્યું છે. અહેવાલો અનુસાર ટ્રમ્પની આ જવાબી ટેરિફ નીતિથી જીડીપીમાં 0.પથી 0.10 ટકા જેટલો ઘટાડો આવી શકે છે. જો કે આની અસર વધુ ઘેરી બને તો વધીને તેની 0.20 ટકા જેટલી અસર આવી શકે છે. - વાણિજ્ય મંત્રાલયની પ્રતિક્રિયા : ટ્રમ્પનાં ટેરિફનાં એલાન પછી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પહેલી સાવધાનીભરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી ઘોષણાનાં મુદ્દાઓની ગહન ચકાસણી ચાલી રહી છે. વિકસિત ભારતનાં દૃષ્ટિકોણને ધ્યાને રાખતા ભારતનાં ઉદ્યોગ અને નિકાસકારો સહિતનાં હિતધારકો સાથે સરકાર સંપર્કમાં છે. તેમનું આકલન અને પ્રતિક્રિયાઓ પણ મેળવાઈ રહી છે. આ ઉપરાંત અમેરિકાની આ નવી વ્યાપાર નીતિનાં કારણે જે નવી તકો સર્જાઈ છે તેનો પણ અભ્યાસ થઈ રહ્યો છે. નિષ્ણાતોનાં હવાલેથી આવતા અહેવાલો અનુસાર ભારતનાં શ્રમપ્રધાન ઉદ્યોગોને પ્રતિસ્પર્ધામાં વધુ મજબૂતી મળી શકે છે. ચીન, બાંગ્લાદેશ અને વિયતનામ જેવા મુખ્ય હરીફો સામે ભારતની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd