• શનિવાર, 05 એપ્રિલ, 2025

ગરડા પંથકના એકમ સામે 12 ગામના લોકો ચૂકવણા મુદ્દે આંદોલનના માર્ગે

ભુજ, તા. 3 : અબડાસાના ગરડા વિસ્તારમાં મોટી અકરી પાસે એક સમયે સ્થપાયેલા સિમેન્ટ એકમનું હવે વેચાણ થઇ જતાં અગાઉ અનેક પ્રકારનાં કામો કરી ચૂકેલા આસપાસનાં 12 ગામના લોકોએ બાકી રહેલા ચૂકવણાની રકમ નવા માલિકો દ્વારા કરવામાં આવે તેવી માગણી સાથે તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. વાયોર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનિરુદ્ધસિંહ જાડેજાની આગેવાની હેઠળ હાજી હારુન અલીમામદ, હાજી કાસમ સુમરા, કરીમ સુમરા, જુવાનસિંહ જાડેજા, આમર હાલેપોત્રા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સરપંચ રાજુભા જાડેજા, પુનશી રબારી સહિતના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વદરાજ સિમેન્ટની જગ્યાએ નવુકો વિસ્ટાસ કોર્પોરેશન લિ. કંપનીને આવકારીએ છીએ. અગાઉ એ.બી.જી. બાદમાં વદરાજ સિમેન્ટ વખતે અમારી સાથે થયેલા કરાર પ્રમાણે કાર્યો કરવામાં આવ્યાં હતાં, પણ કંપનીનો અચાનક સંકેલો થઇ જતાં મજૂર વર્ગનાં ચૂકવણા, સ્ટાફના પગાર, સિક્યુરિટીના પગાર, ટ્રાન્સપોર્ટવાળાનાં ચૂકવણા, બાંધકામ કરનારાનાં ચૂકવણા, ટ્રેક્ટર, જે.સી.બી. જેવાં વાહનો ભાડે અપાયાં હતાં તેના ભાડાની રકમ સહિતના નાના-મોટા કામ કરનારા ગરડા પંથકના 12 ગામના લોકોના લાખો રૂપિયા બાકી રહે છે. આ મુદ્દે તમામ ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે એકઠા થઇને કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરીને બાકી ચૂકવણા કરી દેવામાં આવે તેવી માગણી કરી હતી. જો, અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, તો અમારે ના છૂટકે આંદોલનના માર્ગે જવાની પત્રમાં ચીમકી આપવામાં આવી હતી. આ સાથે કંપની સાથે ભૂતકાળમાં થયેલા કરારની નકલો પણ રજૂ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd