બુધવારે છેક મધરાત બાદ લોકસભાએ બહુચર્ચિત વકફ સુધારા ખરડાને
પસાર કરીને દેશમાં સમાનતા સિદ્ધાંતને વધુ મજબૂત કરવામાં ચાવીરૂપ પગલું લીધું છે. મુસ્લિમ
સમાજની ધાર્મિક મિલકતોના સંચાલન કરતા વિવિધ વકફ બોર્ડની કામગીરીને પારદર્શક અન સંકલિત
બનાવવાના ઉદ્દેશ સાથે લવાયેલો ખરડો પસાર કરતા પહેલાં લોકસભાએ 13 કલાકથી વધુની મેરેથોન ચર્ચા
હાથ કરી હતી. સ્વાભાવિક રીતે આ ચર્ચામાં સરકાર
અને સત્તાધારી જોડાણ વતીથી આ ખરડા અંગેની ખોટી માન્યતાઓની વિગતે સ્પષ્ટતા કરીને મુસ્લિમ
સમાજનો ભય દૂર કરવાનો પ્રામાણિક પ્રયાસ કરાયો તો બીજી તરફ વિપક્ષી નેતાઓને પાયા વગરની
આશંકાઓ અને આરોપો દ્વારા સરકારના ઈરાદા સામે સવાલ ખડા કરવાની દલીલો અને વિરોધ કરાયો.
જો કે, સત્તાધારી જોડાણના રાષ્ટ્રવાદી કોંગ્રેસ,
જનતાદળ (યુ) અને તેલુગુદેશમ સહિતના પક્ષોએ મતબેંકના રાજકારણથી ડર્યા
વગર ખરડાની તરફેણ કરીને દેશની સામે સાચી હકીકત રજૂ કરવામાં સૂર પૂરાવ્યો હતો. મુસ્લિમ સમાજની ધાર્મિક મિલકતોની માલિકી અને વહીવટનો
અધિકાર ધરાવતા વકફ બોર્ડોની કામગીરી સામે ઘણી વખત સવાલ ખડા થતા રહ્યા હતા. આવામાં વકફને
લગતા કાયદામાં સુધારો કરીને આવી ઊણપો દૂર કરીને ક્ષતિઓ સુધારવા હાલની સરકારે સક્રિય
પગલાં લેવા શરૂ કર્યાં હતાં. આ પગલાંના અનુસંધાનમાં વકફ સુધારા ખરડો ગયા વર્ષે લોકસભામાં
રજૂ કરાયો હતો. સ્વાભાવિક રીતે આ ખરડાએ દેશના રાજકારણમાં ગરમી આણી દીધી હતી. આ ખરડો
મુસ્લિમ વિરોધી હોવાની હવા વિપક્ષી નેતાઓએ ફેલાવવાની શરૂ કરી દીધી હતી. લઘુમતી મતોના
રાજકારણને જીવાદોરી માનતા આ પક્ષો અને નેતાઓએ ખરડાની અપપ્રચાર ફેલાવીને કોમી લાગણીઓને
ભડકાવવાની કોઈ પણ તક જતી કરી ન હતી, પણ વકફની મિલકતો સરકાર પચાવી
પાડવાનો જરા પણ ઈરાદો ધરાવતી ન હોવાની જોગવાઈ ઉપરાંત વકફનાં નાણાં સામાજિક કાર્યો માટે
ખર્ચ કરવાની વ્યવસ્થા આ સુધારા ખરડામાં ખાસ જોગવાઈ કરાઈ છે. જો કે, વકફની મિલકતોને લગતા વિવાદો નાગરિક અદાલતોમાં ચલાવવાની મહત્ત્વની જોગવાઈ આવા
કિસ્સામાં કાયદકીય રીતે યોગ્ય હોવાનું વિપક્ષી નેતાઓ પોતાના ગળે ઉતારવા તૈયાર ન હોવાનું
ચિત્ર સામે આવી રહ્યં છે. આમ તો આ સુધારેલા ખરડાનો જૂની તારીખથી અમલ નહીં કરવાની સરકાર
તરફથી ખાતરી અપાઈ રહી છે, પણ જે રીતના
જૂના ગોટાળા અને વિવાદનો સતત ઉલ્લેખ થઈ રહ્યો છે તે જોતાં આ ખાતરીનું પાલન ટકાઉ નહીં
રહે એવી છાપ ઉપસી રહી છે. જો કે, બુધવારે મધરાતે લોકસભાએ ખરડો
પસાર કર્યા બાદ ગુરુવારે રાજ્યસભામાં તેના પર ચર્ચા હાથ ધરાઈ છે. રાજ્યસભામાં પણ લોકસભા
જેવું પુનરાવર્તન થશે એવી પૂરી શક્યતા છે.
આમ સંસદના આ બજેટસત્રમાં વકફ સુધારા ખરડાને સરકારે કાયદાનું સ્વરૂપ આપીને આવા
વિવાદાગ્રસ્ત કાયદાને મઠારવાની પોતાની વચનબદ્ધતા વધુ એક વખત સાબિત કરી છે. હવે વકફ
સુધારો થતાં આ ધાર્મિક વ્યવસ્થામાં પારદર્શકતા લાવી શકાશે તથા કાયદાના દુરુપયોગ અને
ભ્રષ્ટાચારના આરોપો સામે પગલાં લઈ શકાશે.