ગુજરાતના-દેશના વાહનચાલકો માટે મુસાફરી મોંઘી બની રહી છે. ટોલટેક્સમાં
ઝીંકાયેલો વધારો, થોડા દિવસો
પૂર્વે રાજ્ય પરિવહન નિગમે પણ બસનાં ભાડાંમાં કરેલો વધારો સહિતનાં કારણો છે કે,
બસમાં કે નિજી વાહનોમાં મુસાફરી કરી રહેલા પ્રજાજનોનાં ખિસ્સાં ઉપર ભાર
વધશે. પેટ્રોલ-ડીઝલ તો મોંઘાં છે જ, તેમાં વળી ટેક્સ કે ભાડાંના
વધારાથી મુસાફરોની મુશ્કેલી વધી છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગનાં ટોલનાકાંઓ ઉપર
વસૂલાતી રકમમાં રૂા. 5 થી રૂા. 40નો વધારો થયો છે. અમદાવાદ-વડોદરા વચ્ચેના
એક્સપ્રેસ હાઈ-વે પરનો ટોલ ટેક્સ રૂા.135થી વધીને રૂા. 140 થયો છે. આ જ રીતે વિવિધ ટોલ પ્લાઝા પર ભાવ વધ્યા છે. જ્યાં જ્યાં
નવા ટોલનાકાં બની રહ્યાં છે, ત્યાં
તો હજી ટેક્સ હવે વધશે. ઉલ્લેખનીય છે નેશનલ હાઇ-વે ઓથોરિટીએ ફક્ત ગુજરાતમાંથી જ છેલ્લાં
પાંચ વર્ષમાં વાહનચાલકો પાસેથી રૂા. 18,757 કરોડની વસૂલાત કરી છે. હજી થોડા દિવસ પહેલાં જ એસ.ટી. નિગમે
પણ બસનાં ભાડાંમાં વધારો કર્યો છે, જેના પગલે પહેલેથી જ અનિયંત્રિત ભાડું વસૂલતા અને મુસાફરીની સલામતીની કોઈ ખાતરી
ન આપતા ખાનગી બસ સંચાલકોએ પણ ભાડાં 15 ટકા વધારી દીધાં છે. એસ.ટી. બસમાં તો માર્ગ પરિવહનના નિયમો કે
સુરક્ષિત મુસાફરીની ખાતરી પણ હોય, ખાનગી
ટ્રાવેલ્સની બસના સ્ટોપ પણ ક્યારે ફરી જાય અને અકસ્માત વગેરે પછી મુસાફરોને શું સુવિધા
મળે તે નક્કી હોતું નથી. સરકાર કે સરકાર તરફી વલણ ધરાવતા લોકો એવી દલીલ હંમેશાં કરતા
આવ્યા છે કે, રસ્તા અદ્યતન જોઇતા હોય, સિક્સલેન
રોડ અને આધુનિક પુલ બનાવવા હોય તો સરકારને પૈસા તો જોઈએ, પરંતુ
જ્યાં ટોલ રોડનાં મોટાં મોટાં બોર્ડ હોય છે, તે પણ કેટલા બિસમાર
રસ્તા છે તેનો અનુભવ બધાને છે અને એક જ વાહન કે માર્ગ પર મુસાફરી કરવા માટે ટેક્સ કેટલા..
કોઈ વ્યક્તિ વાહન ખરીદે ત્યારે આરટીઓનો ટેક્સ, મહાનગરપાલિકા કે
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ટેક્સ, જીએસટી તો તે ભરે છે જ,ઉપરાંત જ્યારે જેટલી વાર રસ્તા પરથી પસાર થાય ત્યારે પણ ટેક્સ ભરવાનો. શહેરી
વિસ્તારમાં વાહન પાર્ક કરવા માટેના પણ નિયત દર છે. સુવિધા મળે, રસ્તા સારા મળે અને તેનો ખર્ચ થાય ત્યારે ટેક્સ ભરવાનો વાંધો લોકોને હવે નથી
હોતો, હોવો ન જોઈએ, પરંતુ રસ્તાની ગુણવત્તા,
તેનું ટકાઉપણું જેવી બાબતે પણ તંત્રે સતર્ક રહેવું જરૂરી છે. રાજ્ય પરિવહન
નિગમની વોલ્વો બસોની ગુણવત્તા અને વ્યવસ્થા એવાં છે કે, તેનું
ભાડું આપવા મુસાફરો તૈયાર થઈ જાય, પરંતુ સામે એસટી બસ સ્ટેન્ડની
સ્વચ્છતા, અન્ય બસની સ્થિતિ વગેરે ચર્ચાના વિષય છે. ટેક્સ વધે
તેની સામે સુવિધા વધવી જોઈએ. સરકારને લોકો ટેક્સ આપે તો તેનું વળતર પણ મળવું જ જોઈએ.
હાઈ-વે પર મુસાફરી કરનારા બધા જ સંપત્તિવાન લોકો નથી હોતા. ટેક્સ અને ભાડાંની અસર મધ્યમવર્ગને
પણ થાય જ.