ભુજ, તા. 3 : આખે આખું અઠવાડિયું આભેથી અગનવર્ષા
અકળાવશે તેવી આગાહી વચ્ચે ચૈત્ર બેસતાં જ સર્વત્ર છવાયેલા સૂર્યના સામ્રાજ્યએ રણપ્રદેશ
કચ્છની `અગન પરીક્ષા' કરી નાખી છે. જિલ્લા મથક ભુજ ગુરુવારે 42.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યું હતું.આંખો
આંજી નાખે તેવા સૂર્યના તીવ્ર તાપથી ત્રાહિમામ્ ભુજવાસીઓ આજે પણ દિવસભર દાહક લૂથી દાઝ્યા
હતા.કાળઝાળ ગરમી કાળાં માથાંના માણસથી માંડીને પશુ-પંખી સહિત સમસ્ત જીવસૃષ્ટિને અકળાવી
રહી છે. ખુલ્લામાં પેટિયું રળવાની લાચારી વેઠતા શ્રમિક પરિવારોની દશા દયનીય બની છે.
કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી સાથે
ગળપાદર, અંજાર, વરસામેડી સહિત
કચ્છનું પૂર્વીય પડખું સૂરજની સગડીમાં શેકાયું
હતું. યલો અને ઓરેન્જ એલર્ટ વચ્ચે વાગડ પંથક તેમજ રણકાંધીના સીમાવર્તી ગામડાંઓમાં પણ
લોકોએ તપતા રહીને માંડ-માંડ દિવસ પસાર કર્યો હતો. ચૈત્રના મંડાણે જ જેઠ જેવા જલદ તાપથી
ત્રાસેલું કચ્છ હજુ તો ઉનાળાનો આરંભ થયો છે, ત્યારે જ તાપ-બફારાથી
બચવા ઢળી જતી સાંજની સાંત્વના ઝંખી રહ્યું છે.