દેશમાં પ્રાદેશિક રાજકીય પક્ષો પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની
ભાજપ વિરોધી નીતિને અનુસરીને સફળતા હાંસલ કરવા સતત આકર્ષાતા રહ્યા છે. ભાજપ અને વડાપ્રધાન
નરેન્દ્ર મોદીનો સતત વિરોધ કરતા રહેવાની મમતા બેનર્જીની વ્યૂહરચના હવે તામિલનાડુમાં
દ્રમુકના નેતા એમ.કે. સ્ટાલિન પણ અનુસરી રહ્યા છે. બંગાળમાં જે રીતે રાજ્ય સરકારે યેનકેન પ્રકારે કેન્દ્રની
સામે મોરચો ખોલી રાખ્યો છે તે જ રીતે હવે તામિલનાડુમાં દ્રમુકની સરકારે ભાષાકીય મુદ્દાને
ફરી હથિયાર બનાવવાની સાથોસાથ લોકસભાની બેઠકોની ફેરઆંકણીના મુદ્દે વિરોધનો મોરચો ખોલી
નાખ્યો છે. તેમનો ઈરાદો દક્ષિણના રાજ્યોને
ઉશ્કેરીને પ્રાંતવાદની આગ જગાવવાનો હોય એમ સ્પષ્ટ રીતે જણાઈ રહ્યં છે.ઉલ્લેખનીય છે કે, સ્ટાલિન ત્રિભાષાની ફોર્મ્યુલાને તામિલનાડુ
પર હિન્દી ભાષા લાદવાનાં કાવતરાં સમાન ગણાવી રહ્યા છે. 1960માં ત્યાં હિન્દી વિરોધી આંદોલન શરૂ થયું હતું. આ આંદોલનને લીધે
રાજ્યના લોકોમાં હિન્દીની સામે ભારોભાર નારાજગી અંકાઈ ગઈ છે, તેની સાથોસાથ કડવા પ્રાંતવાદની લાગણી પણ જાગી
ચૂકી છે. આવા સંજોગોનો લાભ લેવા હવે સ્ટાલિન
વધુ એક વખત સક્રિય બન્યા છે. વિધાનસભાની આગામી
ચૂંટણીઓમાં આ લાગણીને ઉશ્કેરીને સફળતા મેળવવાનો તેમનો ઈરાદો હવે સ્પષ્ટ રીતે કળાઈ રહ્યો
છે. આમ તો તામિલનાડુની તાસીર એવી રહી છે કે,
એક વખત દ્રમુક અને એક વખત અન્નાદ્રમુકના હાથમાં સત્તા રહે છે,
પણ જયલલિતાના અવસાન બાદ અન્નાદ્રમુક નબળો પડયો છે. આવા સંજોગોમાં ભાજપ લોકપ્રિય નેતા અન્નામલાઈના નેતૃત્વ
હેઠળ રાજ્યમાં પોતાની પકડ ઊભી કરવા સક્રિય બન્યો છે. આવામાં સ્ટાલિનને એવો ભય જણાય છે કે, ભાજપ અન્નાદ્રમુકના એક મોટા જૂથને પોતાનામાં ભેળવીને 2026માં સત્તા હાંસલ કરવા પ્રયાસ
કરી શકે છે. આવા સંજોગોમાં પાણી પહેલાં પાળ બાંધીને સ્ટાલિને બે બાબતે કેન્દ્ર અને
ભાજપની સામે મોરચો ખોલી નાખ્યો છે. ભાષાકીય બાબતમાં હવે દક્ષિણના લોકોને સાચી હકીકત
ગળે ઊતરવા લાગી છે, તો બીજી તરફ
લોકસભાની બેઠકોની આંકણી 2027ની વસતી ગણતરી
પહેલાં શક્ય જ નથી. વસતી ગણતરી થાય પછી જ આ માટે પંચ રચી શકાશે અને તે પછી તેની કામગીરી
શરૂ થઈ શકશે. એક તરફ સ્ટાલિન મમતા બેનર્જીની જેમ પ્રાંતવાદ જગાવવા આગામી દિવસોમાં વધુ
આક્રમક બનશે, તો બીજી તરફ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ તામિલોને રિઝવવા છેલ્લા થોડા સમયથી વ્યાપક પ્રયાસ હાથ ધર્યા છે. ખાસ તો તેમણે તામિલ પ્રતીક સેંગોલની નવા સંસદભવનમાં
સ્થાપના કરાવી છે, તેમણે ઉત્તર અને દક્ષિણ તથા કાશી અને તામિલ
સંસ્કૃતિને જોડવા તમિલ સંગમનો આરંભ કરાવ્યો છે. ડિસેમ્બર-2022થી દર વર્ષે વારાણસીમાં આ આયોજન
હાથ ધરાય છે. સાથોસાથ અમુક ટ્રેનોને તામિલ નામો અપાયા છે. મોદી તેમના આવા પગલાં દ્વારા
દેશને એકતાના મજબૂત તાંતણે બાંધવા માંગે. આમાં ભાજપને રાજકીય લાભ એ વધારાની ઉપલબ્ધી
બની રહે તેમ છે. આગામી સમયમાં સ્ટાલિન વધુ અકરા અને આક્રમક બનશે એ વાત નક્કી જણાય છે.
આવા સંજોગોમાં આ રાજકીય જંગ દેશ માટે નુકસાનકારક
બની રહે નહીં તેનો ખ્યાલ તેમણે રાખવો
રહ્યો.