• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ટેસ્ટમાં ટી-20 સ્ટાઇલથી રમીને ભારતે મેચમાં રંગ પૂર્યો

કાનપુર, તા. 30 : વરસાદને લીધે ઉપરા ઉપરી બે દિવસ ધોવાઈ ગયા બાદ બાંગલાદેશ વિરુદ્ધની કાનપુર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટી-20 સ્ટાઇલથી બેટિંગ કરીને જીતની પાતળી સંભાવના ઉભી કરી છે. ભારતે આજે મેચના ચોથા દિવસે પહેલાં બાંગલાદેશ ટીમને 233 રનમાં ઓલઆઉટ કરી હતી. બાદમાં ટેસ્ટમાં ટી-20 જેવી બેટિંગ કરી હતી. ભારતે તેનો પહેલો દાવ ફક્ત 34.4 ઓવરમાં 9 વિકેટે 28પ રન ઝૂડીને ડિક્લેર કર્યો હતો. ભારતે પ્રતિ ઓવર 8.22ની સરેરાશથી આ રન બનાવ્યા હતા. ભારતને બાવન રનની સરસાઇ મળી હતી. આજે મેચના ચોથા દિવસના અંતે બાંગલાદેશે તેના બીજા દાવમાં 26 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. તે હજુ ભારતથી 26 રન પાછળ છે. ભારતીય ટીમની નજર હવે આવતીકાલે મેચના આખરી દિવસે બાંગલાદેશને સસ્તામાં ઓલઆઉટ કરીને ફરી આક્રમક અંદાજમાં બેટિંગ કરી બીજી ટેસ્ટ જીતવા પર હશે. આજે મેચના ચોથા દિવસે રનની રમઝટ વચ્ચે બન્ને ટીમની મળીની કુલ 18 વિકેટ પડી હતી. મોમિનૂલ હકની સદી પણ આજની હાઇલાઇટ બની રહી હતી. હવે મેચના આખરી દિવસે બાંગલાદેશ મેચ બચાવવાની ભૂમિકામાં આવી ગયું છે. આજની રમતના અંતે શાદમાન ઇસ્લામ 7 અને મોમિનૂલ હક ઝીરો સાથે નોટઆઉટ રહ્યા હતા. ઝાકિર હુસને (10) અને હસન મહમૂદ (0) બન્નેની વિકેટ અશ્વિને લીધી હતી. બીજા દાવમાં બાંગલાદેશના 2 વિકેટે 26 રન થયા હતા અને હવે તેના પર હારનો ખતરો સર્જાયો છે. અઢી દિવસ વરસાદમાં ધોવાઇ ગયા પછી કાનપુર ટેસ્ટ ડ્રો જ મનાતી હતી, પરંતુ ચોથા દિવસે સારા વાતાવરણમાં રમત શરૂ થતાં જ ભારતે જીતની રણનીતિ અમલમાં મૂકી હતી. બેટીંગમાં તમામ બેટધરોએ વિસ્ફોટક રમત રમી હતી.

ભારતે તેના પહેલા દાવની શરૂઆત આક્રમક અંદાજમાં કરી હતી. યશસ્વી અને કપ્તાન રોહિતે ટેસ્ટમાં પાવર હિટિંગ કર્યું હતું અને ભારતના પ0 રન ફક્ત 3 ઓવરમાં જ પૂરા કરી દીધા હતા. કેપ્ટન રોહિત 11 દડામાં 1 ચોગ્ગા - 3 છગ્ગાથી 23 રનની કેમિયો ઇનિંગ રમી આઉટ થયો હતો જ્યારે જયસ્વાલે પ1 દડામાં 12 ચોગ્ગા-2 છગ્ગાથી 72 રન ઝૂડી નાખ્યા હતા. કે એલ રાહુલે પણ ઝડપી અર્ધસદી કરી હતી. તે 43 દડામાં 7 ચોગ્ગા - 2 છગ્ગાથી 68 રન કરી આઉટ થયો હતો. શુભમન ગિલે 39 અને વિરાટ કોહલીએ 47 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પંત (9) નિષ્ફળ રહ્યો હતો.  જાડેજાએ 8, અશ્વિને 1 અને આકાશદિપે બે છગ્ગાથી 12 રન કર્યા હતા. ભારતે ફક્ત 34.4 ઓવરમાં 9 વિકેટે 28પ રને દાવ ડિક્લેર કર્યો હતો. મહેંદી હસન મિરાજ અને શકિબ અલ હસને 4-4 વિકેટ લીધી હતી.

આ પહેલા આજે ચોથા દિવસે બાંગલાદેશ ટીમે તેનો પહેલો દાવ 3 વિકેટે 107 રનથી આગળ વધાર્યો હતો અને 74.2 ઓવરમાં 233 રને ઓલઆઉટ થઈ હતી. મોમિનૂલ હક તેની 13મી સદી ફટકારી 107 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે 194 દડાની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. બાકીના બાંગલાદેશના બેટધરો ભારતની પેસ એન્ડ સ્પિન બોલિંગ સામે નતમસ્તક થઈ ગયા હતા. બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આકાશદીપ, અશ્વિન અને સિરાજને 2-2 અને જાડેજાને 1 વિકેટ મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang