• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

લડાયક ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં

પેરિસ, તા. 4 : ભારતીય પુરુષ હોકી ટીમે યાદગાર પ્રદર્શન કરતા પેરિસ ઓલિમ્પિક 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતે બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. નિર્ધારિત 60 મિનિટ સુધી બન્ને ટીમ 1-1થી બરાબરીએ હતી. જેના કારણે શૂટઆઉટ થયું હતું. શૂટઆઉટમાં પીઆર શ્રીજેશે જોરદાર બચાવ કરતા ભારતને જીત અપાવી હતી. હવે ભારતની ટક્કર નેધરલેન્ડ અને જર્મની વચ્ચેની મેચના વિજેતા સામે થશે. ભારતીય ટીમ માટે આ જીત ખાસ પણ છે. કારણ કે મેચની 43 મિનિટ સુધી ભારતીય ટીમ 10 ખેલાડી સાથે રમી હતી. હોકીમાં ક્વાર્ટર ફાઇનલ જીત્યા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું હતું કે, તેણે પોતાની જાતને કહ્યું હતું કે આ અંતિમ મેચ હોઇ શકે છે   ગોલ બચાવી લીધા તો વધુ બે મેચ રમવાની તક મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું. ઉલ્લેખનીય છે કે, આ શ્રીજેશનો અંતિમ ઓલિમ્પિક છે. તેણે પહેલાં જ સંન્યાસનું એલાન કરી દીધું છે. મેચના પહેલાં ક્વાર્ટરમાં બન્ને ટીમ વચ્ચે કટ્ટર હરીફાઈ થઈ હતી પણ ગોલ થઈ શક્યો નહોતો. રમતથી ચોથી મિનિટમાં બ્રિટનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો પણ ભારતીય ટીમે બચાવ કર્યો હતો. બાદમાં ફરી પેનલ્ટી કોર્નરને અમિત રોહિદાસે બ્લોક કર્યો હતો. ત્રીજા પેનલ્ટી કોર્નરમાં શ્રીજેશે શાનદાર બચાવ કર્યો હતો. ભારતને પણ સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા હતા પણ કેપ્ટન હરમનપ્રીત ગોલ કરી શક્યો નહોતો.  મેચના બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યું હતું. અમિતની સ્ટીક વિલ કેલલનના ચહેરા ઉપર લાગી હતી. તેવામાં જર્મનીના વીડિયો અમ્પાયરે માન્યું હતું કે અમિતે જાણી જોઈને સ્ટિક વગાડી છે. અમિત રેડકાર્ડ બાદ ભારતે વાપસી પણ કરી હતી અને કેપ્ટન હરમનપ્રીતે 22મી મિનિટે ગોલ કર્યો હતો અને ટીમ 1-0થી આગળ થઈ હતી. જો કે 27મી મિનિટે બ્રિટને બરાબરી કરી લીધી હતી. બાદમાં કોઈ ગોલ થયા નહોતા. અંતે મેચ શૂટઆઉટ સુધી પહોંચી હતી. શૂટઆઉટમાં પહેલો પ્રયાસ બ્રિટનનો હતો જે સફળ રહ્યો હતો. બાદમાં હરમનપ્રીતે ગોલ કરી 1-1ની બરાબરી કરી હતી. બ્રિટનની બીજી કોશિશ પણ સફળ રહી હતી. જો કે, સુખજીતે પણ ગોલ કરી સ્કોર 2-2 કર્યો હતો. બ્રિટનના બાકી બે પ્રયાસ નિષ્ફળ ગયા હતા અને ભારતના બે અટેમ્પ સફળ રહ્યા હતા. આ રીતે ભારતીય ટીમને જીત મળી હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang