• શનિવાર, 21 નવેમ્બર, 2026

બાળકોને સર્જનાત્મક તથા સ્વસ્થ આદતોની નજીક લઈ જવા જોઈએ

ભુજ, તા. 19 : કચ્છમિત્ર અને સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ડાયાબિટીસ દિન અને બાળદિન નિમિત્તે `સ્વસ્થ બાળક, નિરોગી પરિવાર' વિશેષ સામાજિક વિનિમય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ઝડપી અને ડિજિટલ સમયમાં બાળકોનાં શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સાથે તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી આ અભિયાન અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાઈ હતી, જેના વિજેતા બાળકોનો સન્માન સમારોહ સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ ખાતે ઉત્સાહભેર સંપન્ન થયો હતો. બાળ દિવસની આ ઉજવણી માત્ર ઔપચારિકતા પૂરતી સીમિત ન રહેતાં બાળકોને સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત આહાર, યોગ, સ્વચ્છતા અને સકારાત્મક વિચારો સાથે જોડનારી સાર્થક પહેલ બની રહી હતી. બાળરોગ નિષ્ણાત (પીડિયાટ્રિક) ડો. લહેર જાદવે બાળકોનાં સ્વાસ્થ્ય, પોષણ, બદલાતી જીવનશૈલીના પડકારો અને નિયમિત તપાસના મહત્ત્વ અંગે અત્યંત ઉપયોગી માહિતી આપી વાલીઓ તેમજ બાળકોને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સમાજને સાચી દિશા આપવામાં અખબારની ભૂમિકા હંમેશાં મહત્ત્વપૂર્ણ રહી છે અને કચ્છમિત્ર દ્વારા સ્વાસ્થ્ય તથા બાળકલ્યાણ જેવા સંવેદનશીલ વિષય પર સામાજિક વિનિમય અભિયાન સાથે જોડાઈને જાગૃતિ ફેલાવવાનું નોંધપાત્ર કાર્ય કરવામાં આવ્યું છે, તેવું સંઘવી હોસ્પિટલના સિનિયર ડોક્ટર ડો. રાહુલ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉમેર્યું હતું. ચિત્રસ્પર્ધામાં ઉત્કૃષ્ટ કૃતિઓ દ્વારા પોતાની કલ્પનાશક્તિ અને સંદેશ રજૂ કરનારા વિજેતા બાળકોમાં પ્રથમ ક્રમે ભુજની શ્રીમયી કીર્તિકુમાર પાંચાણીને 15000, દ્વિતીય ક્રમે ભુજની હની ભરતગર ગુસાઈને 1100 તેમજ તૃતીય ક્રમે મુંદરાની હેતા દીપેશ રાજાવાઢાને 5000 રોકડ પુરસ્કાર સાથે સંઘવી હોસ્પિટલના ઓનર અને સિનિયર ડોક્ટર ડો. ઉમંગ સંઘવી, કચ્છમિત્રના જનરલ મેનેજર મુકેશ ધોળકિયા તથા આસિસ્ટન્ટ મેનેજર હુસેન વેજલાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે  ભુજના ચિત્રકારો મનોજ સોની અને જિગર સોનીએ સેવા આપી હતી. અભિયાનના ભાગરૂપે સામાન્ય નાગરિકો તેમજ ભાગ લેનારા બાળકોના વાલીઓ માટે મફત ફેમિલી ડાયાબિટીસ અને બેઝિક હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે 21 નવેમ્બર સુધી સંઘવી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ ખાતે સવારે 10થી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાઈ રહ્યો છે. કાર્યક્રમનું સંચાલન પૂર્વી ગોસ્વામીએ કર્યું હતું. હોસ્પિટલના દિપેશ જેઠવાએ આભારવિધિ કરી હતી અને ઉપસ્થિત સૌને હોસ્પિટલની વિઝિટ કરાવી આધુનિક સુવિધાઓથી માહિતગાર કરાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd