• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

ગાંધીધામ ન્યાયાલયનો કડક ચુકાદો : સગીરા સાથે દુષ્કર્મ મામલે જેલવાસ

ગાંધીધામ, તા. 19 : અહીંના મચ્છુનગર વિસ્તારમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ત્રણ વર્ષ પહેલાંના બનાવમાં આરોપીને તકસીરવાન ઠેરવી તેને 20 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. અહીંના મચ્છુનગર વિસ્તારમાં વર્ષ 2023માં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર આરોપી સુજાતકુમાર અખિલેશ વર્મા (યાદવ) નામના શખ્સે 15 વર્ષ 4 માસની કિશોરીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. આ શખ્સ કિશોરી સાથે બદકામ કરવાના ઇરાદે તેને અહીંની એક હોટેલમાં લઇ ગયો હતો જ્યાં તેણે કિશોરી સાથે બદકામ કર્યું હતું. બનાવ બહાર આવતાં ભોગ બનનારની માતાએ આ શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આ શખ્સની અટક કરી હતી. તપાસ પૂર્ણ થતાં પોલીસે આ શખ્સ સામે અહીંની વિશેષ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બાદમાં કેસ કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ એમ. આર. જાડેજા હાજર રહી ધારદાર દલીલો કરી હતી. તમામ લેખિત, મૌખિક પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશ આર. જે. પટેલે આ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી જુદી કલમો હેઠળ 20 વર્ષની સખત કેદ તથા કુલ રૂા. 25,000નો દંડ ફટકાર્યો હતો તથા દંડની રકમ ન ભરે તો વધુ કેદનો આદેશ કરાયો હતો તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા. 1,00,000 ચૂકવી આપવાનો હુકમ કરાયો હતો. ધાક બેસાડતા આ ચુકાદાનાં પગલે આવાં તત્ત્વોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd