નવી દિલ્હી, તા. 18 : ભાજપ
દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થા ઉપર કરેલી ટિપ્પણીઓની
આલોચના કરવામાં આવી હતી. ભાજપે કહ્યું હતું કે, રાહુલ ગાંધી
દ્વારા વિદેશી ધરતી ઉપર દેશને બદનામ કરવા માટે આપવામાં આવેલાં પાયાવિહોણા, ખોટા અને ભારત વિરોધી નિવેદનોથી દરેક ભારતીય ક્ષોભમાં છે. પીએમ મોદીનાં નેતૃત્વમાં
છેલ્લાં 12 વર્ષમાં ભારતે લોકતંત્ર, અર્થવ્યવસ્થા, યુવાનોના સશક્તિકરણ અને વૈશ્વિક સ્તરે
ઓળખ બનાવવામાં ઘણી સફળતા મેળવી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું
હતું કે, રાહુલ ગાંધી અપરિપક્વ છે, ભારત
વિરોધી છે અને ભારતના `મીર જાફર' છે. સંસદનાં
દરેક સત્રમાં પહેલા તેઓ વિદેશ યાત્રા કરે છે અને વિદેશી આકાઓના નિર્દેશ લઈને પરત આવે
છે. ઉલ્લેખનીય છે કે કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર
તબાહ થવાની કગારે છે. વધુમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા
સહિતની પહેલની ટીકા કરી હતી. આ ઉપરાંત રાહુલે વોટચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતની
ચૂંટણી પ્રક્રિયા ઉપર ગંભીર સવાલ કર્યા હતા. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું
કે, ભારતની પ્રગતિ અને ભારતનાં લોકતંત્ર પ્રત્યે રાહુલમાં નફરત
છે. જેનાં કારણે જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે દુષ્પ્રચાર કરે છે.