વેલિંગ્ટન, તા. 19 : અહીંના બેસિન રિઝર્વ ગ્રાઉન્ડ
ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઝડપી ઉછાળ ધરાવતી વિકેટ પર ટોસ જીતીને પહેલાં બોલિંગ
લેવાનો એડવાન્ટેજ ભારતે દિવસના અંતે ગુમાવી દીધો હતો. એક તબક્કે જસપ્રીત બુમરાહની આગેવાની
હેઠળ ગોલંદાજોએ આગઝરતી બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડના પાંચ ટોચના બેટધરોને પેવેલિયન ભેગા
કરી દીધા હતા. 70 રને કિવીએ પાંચ વિકેટ ખોઈ દીધી, પરંતુ એ પછી નિકોલ્સની અણનમ સદી (113) અને ફિલિપ્સના અણનમ 94 રને બાજી પલટાવી દીધી છે. પહેલા
દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડના 82 ઓવરમાં 243 રન થયા હતા.
બુમરાહને 3 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડે એક તબકકે 70 રનમાં પ વિકેટ ગુમાવી દીધી
હતી. આ પછી હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલિંગ લાઇનઅપનો મજબૂતીથી સમાનો
કર્યો હતો. બન્નેને નસીબનો પણ સાથ મળ્યો હતો. નિકોલ્સનો લોલીપોપ કેચ પડીક્કલે છોડયો
હતો, જે ભારતને ઘણો મોંઘો પડયો હતો. જ્યારે ફિલિપ્સ
વિવાદ બાદ ડીઆરએસ અપીલમાં એલબીડબ્લ્યૂ આઉટ થતાં બચી ગયો હતો. નિકોલ્સ-ફિલિપ્સ વચ્ચે
છઠ્ઠી વિકેટમાં 322 દડામાં 173 રનની ભાગીદારી થઇ ચૂકી છે. ભારતની શરૂઆત શાનદાર રહી હતી. બુમરાહ પહેલી ઓવરમાં
જ ત્રાટકયો હતો અને કિવીઝ કપ્તાન ટોમ લાથમ (0)ને અદ્ભુત ઈનસ્વિંગ બોલમાં બોલ્ડ કર્યો હતો જ્યારે ડવેન કોન્વે
(4) અંશુલ કમ્બોજના દડામાં પંતને
કેચ આપી આઉટ થયો હતો. રચિન રવીન્દ્ર (1પ)નો આકાશદીપે શિકાર કર્યો હતો. લંચની ઠીક પહેલાં બુમરાહ ફરી
ત્રાટકયો હતો અને મેટ હેનરી (1)ને પવેલિયન
ભેગો કરી દીધો હતો. લંચ પછી બુમરાહે ટોમ બ્લંડેલ (પ)ને આઉટ કરી કિવીઝ ટીમને ભીંસમાં
લાવી દીધી હતી. જો કે, આ પછી નિકોલ્સ-ફિલિપ્સની
જોડીએ કાઉન્ટર એટેક કરીને ટીમને ઉગારી લીધી હતી.
આ પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ઇલેવનમાં
બે અનુભવી બોલર મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને જગ્યા મળી ન હતી. આ નિર્ણય ઘણો
ચોંકાવનારો બન્યો છે. વોશિંગ્ટન સુંદર એકમાત્ર સ્પિન ઓલરાઉન્ડર છે.