• શુક્રવાર, 20 નવેમ્બર, 2026

વિપક્ષી નેતા રાહુલને `ઈમર્જન્સી'નો ભય છે ?

હૈદરાબાદમાં કોંગ્રેસે યોજેલી ભારત શિખર પરિષદમાં એક ઈટાલિયન અતિથિએ `વોટચોર, ગાદીછોડ'નું સૂત્ર પોકાર્યું, ત્યારે હાજર રાહુલ ગાંધીએ તાળીઓ પાડી હતી. કોઈ વિદેશી મહેમાન મર્યાદા ભંગ કરી શકે નહીં. ડિપ્લોમસીના નીતિ-નિયમ હોય છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસ આવ્યો છે, ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધી અમેરિકા જઈને ભારતવિરોધી પ્રચાર કરી શકે છે! રાહુલ ગાંધીનો મોદીદ્વેષ જગજાહેર છે. હવે એમણે રાજકીય મોરચે નિષ્ફળ ગયા પછી ભારત સામે આર્થિક મોરચો ખોલ્યો છે ! અંબાણી-અદાણીની `બદનામી' કરવા સાથે ભારતનું અર્થતંત્ર બરબાદ, પાયમાલ થયું હોવાનો પ્રચાર કરે છે ! ભારતમાં વિદેશી મૂડીરોકાણ થાય નહીં - એવા એમના પ્રયાસ છે. હકીકતમાં એમના પરિવાર, પૂર્વજોએ મિશ્ર અર્થતંત્ર અને ડાબેરી, સમાજવાદનાં નામે અર્થતંત્રનો દાટ વાળ્યો હતો. હવે ભારતના વિકાસ, લોકકલ્યાણ માટે અર્થતંત્ર સક્રિય છે, વિશ્વબેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ભારતના વિકાસદર અને ગતિને સ્વીકારે છે, વધાવે છે, ત્યારે ભારતના વિપક્ષી નેતા વિદેશની ધરતી ઉપર જઈને અર્થતંત્રની બરબાદીનો પ્રચાર કરે છે ! રાહુલ ગાંધી ચૂંટણીપંચના મુખ્ય કમિશનરને પદભ્રષ્ટ કરવાની માગણી કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા માગે છે અને અગ્રણી ઉદ્યોગપતિ બે પરિવાર અંબાણી અને અદાણી ભારતનાં અર્થતંત્ર ઉપર અંકુશ ધરાવે છે - એવા આક્ષેપ કરે છે. આ તમામ આક્ષેપો કરવા માટે ભારતીય સંસદનો માર્ગ ખુલ્લો છે. લોકસભામાં તેઓ વિપક્ષી નેતા છે. ચર્ચા માટે વડાપ્રધાનને પડકારી શકે છે, પણ લોકસભા કરતાં અમેરિકામાં વિદ્યાર્થી સભામાં ભાષણ કરવાનો શોખ છે ! એમને વિદેશમાં ભારતવિરોધી પ્રચાર કરવાનું વધુ ફાવે છે ! છેલ્લાં દસ-બાર વર્ષ દરમિયાન દરેક ચૂંટણીમાં એમણે કુપ્રચાર કરવામાં કચાશ રાખી નથી, પણ સફળ થયા નથી. મોદી અને અન્ય અધિકારીઓને હટાવવા માટે હવે અમેરિકામાં મંચનો ઉપયોગ થાય છે. રાજકીય લક્ષ્ય પાર પાડવા માટે રાહુલ ગાંધી હવે ભારતવિરોધી પ્રચારમાં ભાન ભૂલી ગયા છે અને દેશદ્રોહની ભૂમિકામાં આવી ગયા છે. સત્તા મેળવવા માટે ભારતવિરોધી પરિબળોનો સાથ લઈ રહ્યા છે. કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહુલ ગાંધીમાં `પ્રખર અર્થશાત્રી' તો દેખાયા હશે - પણ ભારતીય સંસદ અથવા દિલ્હી યુનિવર્સિટીમાં ભાષણ કરવા આવશે ખરા ? ભારતીય વિદ્યાર્થીઓ એમની જ `પરીક્ષા' કરવા સમર્થ છે! રાહુલ ગાંધીએ ભારતીય અર્થતંત્રની બરબાદીનું ભવિષ્ય ભાખ્યા પછી વિસ્તારથી - કદાચ ગૌરવથી - કહ્યું કે, ભારતમાં ભારે જંગી પ્રમાણમાં બેકારીની સમસ્યા છે. શિક્ષણની પણ સમસ્યા છે - જે તમારો પીછો છોડે એમ નથી. નાના, મધ્યમ ઉદ્યોગો અને કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ છે - રોજગારીનું મોટું ક્ષેત્ર અને સ્રોત છે, પણ અર્થતંત્રની કમર તૂટી ગઈ છે ! ઉત્પાદનશક્તિ વધારવા સિવાય ટકી શકાય નહીં, પણ આર્થિક વિકાસ મોટા ઉદ્યોગ પરિવારોના અંકુશમાં છે ! ભારતમાં ખાનગી મૂડીરોકાણ કેમ થતું નથી ? રાહુલ ગાંધી જાણતા જ હશે કે અશાંતિ અને રાજકીય અસ્થિરતાથી અરાજકતા સર્જવાનો વ્યૂહ હોય, પ્લાન હોય ત્યારે મૂડીરોકાણ કેવી રીતે થાય ? અને આવી સ્થિતિ માટે જવાબદાર કોણ છે ? મોટા ઉદ્યોગપતિઓને બદનામ કરવાથી વિદેશી મૂડીરોકાણ આવશે ? રાહુલ ગાંધી કહે છે કે, વિદ્યાર્થીઓનો રોષ છે - વિરોધ પ્રદર્શનો અને આંદોલનો થઈ રહ્યાં છે - મીડિયા પણ સમાજની સમસ્યાઓને મહત્ત્વ આપે નહીં, ચારે બાજુ અશાંતિ છે - આમ કહીને મૂળ મુદ્દા ઉપર આવી ગયા કે ચૂંટણી પ્રક્રિયા પણ ગંભીર છે અને મુખ્ય કમિશનરને હટાવવા માગીએ છીએ. જનતાનો મિજાજ અને આંદોલનોનાં કારણે ભારત સરકાર આક્રમક અને હિંસક પગલાં ભરે એવી ભીતિ - શક્યતા હોવાનું પણ એમણે કહ્યું, તો શું એમને ઇન્દિરા ગાંધી છાપની - ઈમર્જન્સીનો ભય છે? 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd