અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનાપિંગ વચ્ચે
ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક 19મી નવેમ્બરે ચીનના શેનજેનમાં
એશિયા-પેસિફિક ઈકોનોમિક કો-ઓપરેશન (એપીઈસી) સંમેલન નિમિત્તે થવાની છે. આ ત્રણ પરમાણુ
શક્તિઓ અને મહાસત્તાના ટોચના નેતા અનેકવાર એકમેકને મળ્યા છે, 2025માં
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન વચ્ચે શિખર મંત્રણા યોજાઈ હતી, તો 2013થી પુતિન અને જિનાપિંગ વચ્ચે 40 દ્વિપક્ષીય
બેઠક થઈ છે, પણ ત્રણેય એકસાથે બેઠક સ્વરૂપમાં મળ્યા નથી.
આ બેઠકનું સ્વરૂપ અનૌપચારિક હોવા છતાં તેનું આગવું મહત્ત્વ છે અને આખા વિશ્વની નજર
આ બેઠક પર છે, ખાસ તો મંગળવારે ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં
એસોસિયેશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (આસિયન) સમિટ દરમિયાન ક્વાડ (યુએસ, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન) રાષ્ટ્રોના વડાઓની બેઠક
બાદ ટ્રમ્પે કરેલા દાવા-10 મહિનામાં અમેરિકા દુર્લભ પૃથ્વી ખનિજોના ઉત્પાદનમાં
ચીનને પાછળ છોડી દેશે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ક્વાડ રાષ્ટ્રોના વડાની આ પ્રથમ બેઠક
પૂર્વે ક્વાડની પ્રાસંગિકતા વિશે ગંભીર પ્રશ્નો હતા. ક્વાડની બેઠકની જેમ ત્રિપક્ષીય
બેઠક પણ વિશ્વને ભૂ-રાજકીય સંદેશ આપે છે ? એના પર નજર
રહેશે.
બાજિંગે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે, ત્રણેય નેતા વિશ્વ શાંતિ અંગે ચર્ચા માટે મળશે અને ટ્રમ્પ પરમાણુ શસ્ત્રો પર
નિયંત્રણ મોરચે નવી સમજૂતી ઈચ્છે છે, જેમાં ચીન પણ સામેલ થાય
કેમ કે ચીન પાસે વિશ્વમાં સૌથી વધુ છએક હજાર જેટલાં પરમાણુ શસ્ત્રો છે. અમેરિકા અને
રશિયા પાસે પણ પાંચ હજારથી વધુ આવાં શસ્ત્ર છે. ચીન દેખીતી રીતે જ અમેરિકન નિયંત્રણો
સ્વીકારવા માગતું નથી. પુતિન માટે આ બેઠક આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયાના મહત્ત્વને ફરી
પ્રસ્થાપિત કરવાની તક છે, ખાસ તો વિશ્વની બે નિર્વિવાદ મહાસત્તાઓ
સાથે તેઓ બરાબરીએ છે એ દેખાડવા સાથે પશ્ચિમના રાષ્ટ્ર સમૂહોએ રાજદ્વારી મોરચે રશિયાને
એકલુંઅટૂલું પાડી દીધું છે એનો આ જડબાતોડ જવાબ રહેશે. મધ્યસત્ર ચૂંટણીમાં તેજોવધ પછી
ટ્રમ્પ સામે ઘરઆંગણે સમસ્યા-પડકારો વધી રહ્યા છે, ત્યારે વિશ્વ
મંચ પર પોતાના યથાવત્ પ્રભાવને દર્શાવવાનો આ મોકો છે. ટ્રમ્પના હુકમનાં પાનાં સમાન
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોરચે અમેરિકામાં અસ્થિરતા તથા ઈરાન યુદ્ધને લઈને વધી રહેલા
વિરોધને પગલે ટ્રમ્પની સ્થિતિ મા મને કોઠીમાંથી કાઢ જેવી છે.
ટ્રમ્પની ચીન યાત્રાના અંતિમ તબક્કામાં આ બેઠક
યોજાવાની છે અને જિનાપિંગ ચીનની આર્થિક અને ટેક્નોલોજિકલ શક્તિનું પ્રદર્શન કરવા માગે
છે. 2027માં
અમેરિકા સાથેના વેપાર કરારનો સમયગાળો પૂરો થાય એ પહેલાં ચીન સંબંધો સુધારવા માગે છે, પણ દબાયા કે બાંધછોડ કર્યા વિના. ટ્રમ્પ સંસ્થાગત પ્રક્રિયાઓને બદલે સીધા સંવાદ
અને વ્યક્તિગત સંબંધોને કૂટનીતિમાં વધુ મહત્ત્વ આપે છે અને આ બેઠક પણ તેનો જ ભાગ છે,
પણ આવા અનૌપચારિક મંચ પર થયેલી સમજૂતીનું મહત્ત્વ અને ટકાઉપણા સામે પ્રશ્નાર્થ
છે. યુરોપિયન દેશોને ચિંતા છે કે, યુક્રેન સંબંધી કોઈ મોટું પગલું
આ બેઠકમાં લેવાય તો તેમની સુરક્ષા સંબંધી બાબતોમાં તેમનો કોઈ અવાજ નહીં હોય. ભારત માટે
પણ આ બેઠક મહત્ત્વની છે, કેમ કે ત્રણેય દેશ સાથે નવી દિલ્હીના
સંબંધો સારા છે. આ ત્રણેય મહાસત્તાઓ વચ્ચે વધતી નિકટતા ભારત માટે આપદા અને અવસર બન્ને
સર્જી શકે છે. જો કે, મોટાં રાષ્ટ્રો સાથે મળી નિર્ણયો લે અને
બાકીનાઓ પર ઠોકી બેસાડે એવી વિશ્વ વ્યવસ્થા બાબતે ભારતે સજાગ રહેવું પડશે. વિશ્વમાં
શાંતિ, સ્થિરતા સ્થપાય છે કે ચડસાચડસી, સંઘર્ષ વધે છે, એ આ બેઠક બાદ ખબર પડશે.