વેલિંગ્ટન, તા.18: વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે ભારતીય ટીમે
કોઇપણ ભોગે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવી પડશે, જેની શરૂઆત ગુરુવારથી વેલિંગ્ટનમાં થઇ રહી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા છેલ્લા
પ8 વર્ષથી
ટેસ્ટ વિજયથી વંચિત છે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ સામે કિવીઝ ઝડપી બોલિંગનો અને અહીંની
બાઉન્સી પીચનો સામનો કરવાનો કઠિન પડકાર બની રહેશે. આ મુકાબલામાં યુવા કપ્તાન શુભમન
ગિલની ક્ષમતા અને હેડ કોચ ગૌતમ ગંભીરની રણનીતિની પણ કસોટી થશે. મેચ વહેલી સવારે 3-30થી
શરૂ થવાની છે. ડબ્લ્યુટીસી ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાએ બાકી બચેલી તમામ 7 ટેસ્ટ
મેચમાંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવી જરૂરી છે. આથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની
એક હાર પણ ગિલની ટીમને મોંઘી પડી શકે છે. જો કે, ન્યૂઝીલેન્ડની
ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવી ભારત માટે હંમેશાં કઠિન રહી છે. ન્યૂઝીલેન્ડની ઝડપી બોલર
ત્રિપુટી મેન હેનરી, કાઇલ જેમિસન અને જેકોબ ડફી સામે ભારતના ટોચના
બેટધરોની કસોટી નિશ્ચિત છે. આથી કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ,
દેવદત્ત પડીકકલ, કપ્તાન શુભમન ગિલ, રિષભ પંત ઉપર મોટી જવાબદારી રહેશે. ગિલનો ટોસ જીતવામાં સારો રેકોર્ડ છે. જો
ગુરુવારે સવારે તે ટોસ જીતશે તો બોલિંગ પસંદ કરી શકે છે. તે પહેલાંથી જ સંકેત આપી ચૂક્યો
છે કે, ભારતીય ઇલેવનમાં ચાર ઝડપી બોલર હશે. આથી ઓલરાઉન્ડર નીતીશકુમાર
રેડ્ડી લગભગ ઇલેવનમાં હશે. બુમરાહના આગમનથી ભારતની બોલિંગ ધાર વધુ તેજ બની છે. તે અને
સિરાજ સાથે ઇલેવનમાં વધુ એક નિયમિત ઝડપી બોલર હશે, જે માટે પ્રસિદ્ધ
કૃષ્ણા અને ગુરનૂર બ્રાર વચ્ચે રેસ છે. બ્રાર સારા ફોર્મમાં છે અને તે ટેસ્ટ ડેબ્યૂ
કરી શકે છે.
બીજી તરફ ન્યૂઝીલેન્ડ ટીમ ટી-20 અને
વન-ડે શ્રેણી ગુમાવ્યા બાદ જીતની રાહ પર વાપસી માટે ભરપૂર પ્રયાસમાં રહેશે. વન-ડે શ્રેણીમાં
વિલ યંગનાં ફોર્મમાં પાછા ફરવાથી અને રચિન રવીન્દ્રની વાપસીથી કિવીઝ ટીમ મજબૂત બની
છે. કપ્તાન ટોમ લાથમ, ડેરિલ મિચેલ, ડવેન કોન્વે, ગ્લેન ફિલિપ્સ, ટોમ
બ્લંડેલના રૂપમાં કિવીઝ પાસે સારા બેટર્સ
છે, જે ભારતીય
બોલર્સને હંફાવી શકે છે.