અંજાર, તા. 19 : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘીદાટ તબીબી સારવારના બોજમાંથી
મુક્તિ અપાવવા અને આર્થિક સંકળામણને કારણે કોઈ સગર્ભા મહિલા યોગ્ય સારવારથી વંચિત ન
રહે તેવા આશય સાથે અંજારની સાંઈ હોસ્પિટલ દ્વારા માનવતાવાદી નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય અંતર્ગત પ્રસૂતિના બે મહિના અગાઉથી સાંઈ હોસ્પિટલમાં નામ નોંધાવનારી ગરીબ
અને મધ્યમ વર્ગની સગર્ભા મહિલાઓની નોર્મલ પ્રસૂતિ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરી આપવામાં
આવશે. આ ઉપરાંત, જો કોઈ કિસ્સામાં સિઝેરિયન
પ્રસૂતિની જરૂરિયાત ઊભી થાય, તો તમામ દવાઓ, તબીબી સેવાઓ તથા અન્ય જરૂરી ખર્ચ સહિતની સંપૂર્ણ સારવાર માત્ર રૂા. 15,000ના નજીવા રાહતદરે કરી આપવામાં
આવશે. આ નિર્ણયથી આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને પ્રસૂતિ સમયે થતા મોટા
આર્થિક ખર્ચમાંથી નોંધપાત્ર રાહત મળશે. પ્રસૂતિ સેવા ઉપરાંત, ડો. હિતેશ ઠક્કર દ્વારા હર્નિયા તથા હિસ્ટરેક્ટમી
(ગર્ભાશય કાઢવાની શસ્ત્રક્રિયા) જેવી અત્યંત જરૂરી સર્જરીઓ પણ રાહતદરે કરી આપવાની જાહેરાત
કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક ચિંતામાંથી મુક્ત
કરી સમયસર અને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, ડો. હિતેશ ઠક્કર સાંઈ હોસ્પિટલનાં માધ્યમથી અગાઉથી જ અનેક તબીબી સેવાઓ નિ:શુલ્ક
તેમજ અત્યંત રાહતદરે ઉપલબ્ધ કરાવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. તબીબી વ્યવસાયની
સાથે માનવસેવાને પણ પ્રાધાન્ય આપતા તેમના આ નિર્ણયને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો
માટે આશીર્વાદરૂપ અને પ્રેરણાદાયી પહેલ તરીકે આવકારવામાં આવી રહ્યો છે.