એક તરફ ભારતમાં કૃષિ ક્ષેત્રને અપાતી સબસિડી વિશ્વભરમાં સતત
ચર્ચાની બાબત બની રહી છે. આવામાં સરકારે ખેડૂતોને અપાતી ખાતરની સબસિડીને ચાલુ રાખવાનો
યોગ્ય નિર્ણય લીધો છે. આમે પણ ડીઝલ, બીજ, દવાઓ અને મજૂરીના
ભાવ એટલા બધા વધી ગયા છે કે, ધરતીપુત્રો માટે ખેતી દિવસોદિવસ
ખોટનું કામ બની રહી છે. આવામાં ખાતરમાં રાહત ખેતીના વ્યવસાય માટે હળવાશનું કામ કરશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ અને ખાતરના ભાવ વધવા છતાં સરકારે કિસાનોને આ રાહત આપવાનો મહત્ત્વને નિર્ણય લીધો છે. સરકારે લીધેલા
આ નિર્ણય મુજબ વર્ષ 2026-27ની રવીની મોસમ માટે ખાતર પર રૂપિયા 62,370 કરોડની સબસિડી આપાશે અને ડીએપીની પ0 કિલોની બોરીની કિંમત રૂા. 1,3પ0 રખાઈ છે. ખેડૂતોને તેમની
ઉપજના પૂરતા ભાવો મેળવવામાં પણ મુશ્કલી નડી રહી છે,
તેવામાં આ રાહત તેમની ચિંતામાં ઘટાડો કરશે. હાલે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ અને રશિયા-યુક્રેન
વચ્ચેનાં જંગને લીધે આંતરરાષ્ટ્રીય પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આના લીધે ખાતરનાં
ઉત્પાદન પર મોટી અસર પડી છે. પરિણામે ભાવો સતત વધી રહ્યા છે. ગયા વર્ષની રવીની મોસમની
સરખમણીએ ખાતરમાં અપાતી સબસિડીમાં રૂા. 24,418 કરોડનો જંગી વધારો સરકારને ખેડૂતોની ચિંતા હોવાની પ્રતીતિ કરાવે
છે. આ સબસિડીને અવળી રીતે મૂલવવાને બદલે તેને
કૃષિ ઉત્પાદન અને ખાદ્ય સલામતી માટે ચાવીરૂપ હોવાની દૃષ્ટિએ જોવાની ખાસ જરૂરત છે. ખાતરના
ભાવો વધુ હોય તો તેની ખેતપેદાશો પર સીધી અસર વર્તાય છે. આવામાં ખેતપેદાશોના ભાવો વધે
તો મોંઘવારી વધી જાય છે. એટલે ખેતપેદાશોને આવી સબસિડીની મદદથી કિફાયતી રાખવાનો સરકારનો
ઈરાદો સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે, પણ આ આર્થિક રાહતનો લાભ કિસાનો સુધી પહોંચે તે માટે સરકારે ખાસ ધ્યાન આપતાં
રહેવું પડશે. એવા કિસ્સા વધી રહ્યા છે, જ્યાં ખેતીની મોસમ દરમ્યાન
ખાતરની અછત સર્જાય છે અને કિસાનોને તે મેળવવા લાંબી કતારોમાં રાહ જોવી પડે છે. માલની
અછત કાળાબજારને પ્રત્સાહન આપે છે. અવામાં સરકારે ખાતરનાં વિતરણ, ઉપલબ્ધિ અને વેચાણ પર સતત નજર રાખવાની તાતી જરૂરત હવે લાંબા સમયથી વર્તાઈ રહી
છે. ખરેખર તો સરકાર જ્યારે ખેડૂતોને રાહત માટે આટલી જંગી રકમ ખર્ચ કરતી હોય ત્યારે
તેનો લાભ વચેટિયાઓ અને કાળાબજારિયાઓ ઉઠાવી જાય તે કોઈપણ હિસાબે ચલાવી લેવાય નહીં. સરકારે
ખાતરની સબસિડી ચાલુ રાખવાની સાથોસાથ નાના વેપારી અને કારીગરોને મુદ્રા યોજના તળે અપાતી
ધિરાણ ગેરન્ટી યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવાનો આવકારદાયક નિર્ણય લીધો છે. આ ગેરન્ટી યોજના તળે પાંચ હજાર
કરોડના ભંડોળની મદદથી પાંચ વર્ષમાં 12.6 લાખ કરોડનું ધિરાણ ઉપલબ્ધ કરાવવાની સરકારની નેમ છે. સરકારના ખાતર સબસિડી અને મુદ્રા યોજનાના નિર્ણય
દેશના પાયાના સ્તરના ખેડૂતો અને વ્યાસાયિકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.