નવી દિલ્હી, તા. 19 : ભારત વિશ્વની
સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઊભરી આવ્યું છે, જેમાં છેલ્લા 12-13 વર્ષમાં અંદાજિત 50 કરોડ લોકો ગરીબીરેખામાંથી બહાર
આવ્યા છે. વૈશ્વિક સંસ્થાઓ ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા કે તેથી વધુ રહેવાનું અનુમાન લગાવી રહી છે તેમ નવી દિલ્હીમાં
`ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ
એન્ડ ઇન્ડસ્ટ્રી' (ફિક્કી)ના
શતાબ્દી વર્ષના સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું
હતું. મોદીનું આ નિવેદન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત `આર્થિક આપત્તિ'ની પકડમાં હોવાનું જણાવ્યાના એક દિવસ બાદ આવ્યું
છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને એક નવો રાજકીય
વિવાદ સર્જાયો છે. એક મીડિયા હેવાલ મુજબ, સમારોહને સંબોધતાં પીએમ
મોદીએ ભારતનાં આર્થિક પરિવર્તનનું શ્રેય દેશના યુવાનો, ખેડૂતો,
કામદારો અને ઉદ્યોગપતિઓની સખત મહેનતની સાથે સાથે સરકારના નીતિગત અભિગમ
અને ઈરાદાઓને આપ્યું હતું. વિશ્વ બેંકના એક
અહેવાલને ટાંકીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વની
સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે
ઉભરી આવ્યું છે. તેમણે જણાવ્યું કે, એશિયન ડેવલપમેન્ટ બેંક અને
મૂડીઝ જેવી સંસ્થાઓએ તેમના વિકાસના અનુમાનોમાં ઉપરની તરફ સુધારો કર્યો છે. મોદીએ કહ્યું,
`છેલ્લા 100 વર્ષોમાં આપણે 'લાઇસન્સ-કોટા રાજ' તેમજ રાષ્ટ્રીયકરણના નિષ્ફળ પ્રયાસો
જોયા છે. 21મી સદીમાં
આપણે `ફ્રેજાઇલ ફાઇવ' (પાંચ નબળી અર્થવ્યવસ્થાઓ)નો ભાગ હતા,
પણ છેલ્લા 12 વર્ષોમાં
ભારતીયોની સખત મહેનતે દેશની આર્થિક દિશા બદલી નાખી છે. ઓક્ટોબરમાં માલસામાનની નિકાસ
50 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે, જે અત્યાર સુધી નોંધાયેલું સૌથી ઊંચું માસિક
સ્તર છે. ભારતના આ મજબૂત પ્રદર્શનને કારણે જ મૂડીઝ રાટિંગ્સ, એસ એન્ડ પી ગ્લોબલ રાટિંગ્સ, ફિચ રાટિંગ્સ, વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ આપણા વિકાસના અનુમાનોમાં
ઉપરની તરફ સુધારો કરી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાને દેશના ઉદ્યોગસાહસિકોને ફરી એકવાર
આત્મનિર્ભરતા તરફ કામ કરવા અને એવા ક્ષેત્રોમાં રોકાણ કરવા અનુરોધ કર્યો હતો કે,
જ્યાં દેશ હજુ પણ આયાત પર નિર્ભર છે. જ્યારે સંસાધનોના વેપારનો ઉપયોગ
એક હથિયાર તરીકે થઈ રહ્યો છે, ત્યારે દેશની સુરક્ષા સુનિશ્ચિત
કરવા માટે જરૂરી ક્ષમતાઓ વિકસાવવી અનિવાર્ય છે. તેમણે ઉદ્યોગ જગતને અનુરોધ કર્યો કે,
તેઓ દરેક નિર્ણય લેતી વખતે `ભારત પ્રથમ` માનસિકતા અપનાવે, જેનો ઉદ્દેશ્ય આગામી 20 વર્ષમાં એક વિકસિત ભારતનું નિર્માણ કરવાનો છે. વડાપ્રધાને જણાવ્યું
હતું કે, ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ,
એલ્યુમિનિયમ, ખનિજો અને કૃષિ ઉત્પાદનો જેવા અનેક
ક્ષેત્રો છે, જેમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત છે. સાથે જ તેમણે
સ્થાનિક ગ્રાહકો માટે પણ વૈશ્વિક ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો તૈયાર કરાય તેવું આહ્વાન
કર્યું હતું.