દહિંસરા (તા. ભુજ), તા. 19 : તાલુકાના
કુકમા ગામે નેશનલ હાઇવેનો બાયપાસ બન્યા બાદ ગામની અંદરથી પસાર થતા રસ્તામાં ઠેર-ઠેર
ખાડા પડી જતાં ફોર વ્હીલર સાથે ખાસ કરીને દ્વિચક્રી વાહનોના ચાલકોને મુશ્કેલી પડતી
હતી. આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સમક્ષ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ખાડા
પૂરવામાં ન આવતાં કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની સમૂહ ભાગવત કથાને લઈને ગ્રામ પંચાયતના
સરપંચ રસિલાબેન રાઠોડ, કથા સમિતિ
દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ધનજીભાઈ
ચાવડા સમક્ષ રજૂઆત કરાતાં તેઓએ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ને સૂચના આપતાં તાત્કાલિક
પેચવર્ક કામ શરૂ કરાયું હતું. કથા બાદ સંપૂર્ણ રસ્તો રિસર્ફેસ કરવા વર્કઓર્ડર પણ અપાઈ
ગયો હોઈ રસ્તો રિસર્ફેસ થઈ જશે તેવી ધરપત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કલ્પેશભાઈએ આપી હતી.