નવી દિલ્હી, તા. 18 : કોંગ્રેસ
નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વર્તમાન સમયે અમેરિકાના પ્રવાસે
છે. જ્યાં કોલંબિયા યુનિવર્સિટીમાં એક સંવાદ દરમિયાન તેમના તરફથી ભારતીય અર્થતંત્ર
અને અન્ય મુદ્દે વાતચીત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે ભારત
એક મોટા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં મોટાપાયે બેરોજગારી છે, ઉત્પાદન ક્ષેત્ર કમજોર છે અને શિક્ષા વ્યવસ્થામાં મોટી ખામીઓ છે. આ નિવેદનોએ
વિવાદ પણ શરૂ કર્યો છે. ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં છાત્રો અને શિક્ષકો સાથે
વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કહ્યું હતું કે, ભારતનું વર્તમાન
આર્થિક મોડેલ એક દશક પહેલાંથી જ પરિણામ આપવાનું બંધ કરી ચૂક્યું છે. જો દેશ આ જ રસ્તે
આગળ વધતો રહેશે તો મોટી મુશ્કેલી આવશે. ભારત એક આર્થિક તબાહીની કગારે છે. રાહુલે કેન્દ્રની
એનડીએ સરકાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ દેશની કમજોર બનેલી અર્થવ્યવસ્થાને ફરીથી મજબૂત
કરવામાં સફળ રહી નથી. દેશનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર ફરીથી મજબૂત કરવાની જરૂરિયાત છે.
એમએસએમઇ અને કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આ ક્ષેત્ર જ મોટાપાયે
રોજગાર આપે છે. આ કરોડરજ્જુ તૂટી ચૂકી છે. રાહુલ ગાંધીએ ભારતમાં ખાનગી રોકાણની કમીનો
મુદ્દો ઉઠાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે દેશમાં ખાનગી રોકાણ કેમ વધી રહ્યું નથી.
ભારતમાં આગળ વધતા કારોબારીઓમાં માત્ર અદાણી અને અંબાણી જેવાં જ નામ કેમ જોવા મળે છે.
આ સાથે ટાટા સમૂહ અંગે પણ સવાલ કર્યા હતા. રાહુલે વિદેશ પ્રવાસ દરમિયાન કહ્યું હતું
કે, ભવિષ્યમાં તકની કમી, બેરોજગારી અને
શિક્ષા વ્યવસ્થા સંબંધિત ચિંતાઓ એવા મોટા પડકાર છે જેને નજરઅંદાજ કરી શકાય નહીં. કાર્યક્રમમાં
રાહુલને યુવાનોને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતા યુવાનો અને માતા-પિતા
વચ્ચે વિચારોના અંતરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાછળની પેઢીના અનુભવો વર્તમાન સમયે કારગર નથી.