બાબુ માતંગ દ્વારા : નિરોણા, તા. 19 : ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં
યોજાયેલાં કવાડ દેશોના નેતાઓની શિખર બેઠક દરમ્યાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની
ગિફટ ડિપ્લોમસીની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. વિશ્વભરના નેતાઓને ભારતના અલગ-અલગ રાજ્યોની
પ્રસિદ્ધ અને પરંપરાગત કલાકૃતિઓ ભેટ આપી હતી. કચ્છની રંગીન કલા રોગાનની પણ એક આકર્ષક
કૃતિનો પણ સમાવેશ થયો હતો. જે આપણી સમૃદ્ધ કલા-સંસ્કૃતિનું પ્રતીક ગણવામાં આવે છે.
વૈશ્વિક સમિટ દરમ્યાન મોદીજીએ કરેલી ખાસ રાજદ્વારી પહેલમાં દેશના વિવિધ રાજ્યોની વિશ્વપ્રસિદ્ધ
હસ્તકલા કૃતિઓ અર્પણ કરાઈ હતી, જેમાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજસ્થાનની જાણીતી ગોલ્ડન પિછવાઈ પેઈન્ટિંગ,
યજમાન ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિને હાથથી વણેલી કાશ્મીરી સિલ્ક કાર્પેટ,
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને તમિલનાડુની 100 વર્ષ જૂની ચોલ બ્રોન્ઝ મૂર્તિ, જાપાનના પી.એમ.ને શાહી બનારસી સિલ્ક સ્ટોલ,
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને જયપુરની પ્રસિદ્ધ બ્લૂ પોટરી, કંબોડિયાના વડાપ્રધાનને ઢોકરાકળાની સુંદર હોડી, બ્રુનેઈ
અને મ્યાંમારના નેતાઓને કર્ણાટકનું જી.આઈ. ટેગ મેળવેલી બિદરીવેર ફૂલદાની, સિંગાપુરના પી.એમ.ને મધ્યભારતની લોકકલા ગોડ પેઈન્ટિંગ, જ્યારે થાઈલેન્ડના વડાપ્રધાનને ગુજરાતના કચ્છ જિલ્લાની પ્રસિદ્ધ રોગાન કળાની
આકર્ષક કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલને મોદી
દ્વારા આપવામાં આવેલી કચ્છની જાણીતી પાવરપટ્ટીના નિરોણા ગામની રોગાન કલા કૃતિ આ કલાના
જાણીતા આતંરરાષ્ટ્રીય કલા પુરસ્કાર વિજેતા રીઝવાન ખત્રીએ ખાસ પ્રકારે તૈયાર કરી હતી.
24 \ 17 ઈંચની આ બર્ડઝ ઓન ટ્રીની કૃતિમાં
વૃક્ષોની ડાળ પર પક્ષીઓને બેસાડી તેની આસપાસ રોગાનકલાની સૂક્ષ્મ કારીગીરીથી શણગારવામાં
આવી હતી. કાળારંગના કાપડ પર ચિત્રણ આ રોગાન કૃતિને આબેહૂબ ફ્રેમમાં મઢવામાં આવી હતી.
ગુજરાત હસ્તકલા નિગમ ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલી આ કૃતિ ગુજરાત રાજ્ય સરકાર મારફતે
મોદીજી પાસે પહોંચી મનીલામાં તેને ભેટરૂપે અર્પણ કરવામાં આવી હતી. ઉપહારો દ્વારા વડાપ્રધાને
ફરી એકવાર દુનિયા સમક્ષ ભારતના પ્રાચીન કલાકારીગરોની કળા અને સોફટ પાવર (સૌમ્ય શક્તિ)નું
પ્રદર્શન થઈ દેશોના છેવાડે આવેલા કચ્છ જિલ્લાના એકમાત્ર ગામમાં પાંગરતી રોગાન કલાને
ગૌરવ પ્રાપ્ત થયેલ છે, જેનો આનંદ
આ કલાના કસબી રીઝવાન ખત્રીએ વ્યક્ત કર્યો હતો.