રાપર, તા. 19 : દાયકાઓ પૂર્વે અછતના સમયમાં
કાચો રોડ બનાવાયા બાદ લાંબા અરસાથી સરહદી અને અંતરિયાળ ખડીર બેટને તાલુકા મથકથી જોડતો એકલ-બાંભણકા માર્ગ બનાવવાની લાંબા સમયની માંગ હતી અને જિલ્લા પંચાયત હસ્તકના માર્ગમાં સૌથી
મોટી રકમમાંથી નિર્માણ પામેલા રાજ્યના સૌપ્રથમ માર્ગ ઉપર રોડ ટુ હેવન અને ધોરડોને પણ
ભૂલાવી દે તેવી અફાટ રણની સુંદરતા રોડ ટુ ઈન્ફિનિટીમાં છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણોત્સવનો
આરંભ કરાવ્યો, ત્યારથી સફેદ રણથી કચ્છ
વિશ્વના નક્શે ચમક્યું અને આજે લાખો પ્રવાસી સફેદ રણને નિહાળવા આવે છે. કચ્છની નમકાચ્છાદિત
રણની સુંદરતામાં એક છોગું ઉમેરવામાં આવ્યું. રોડ ટુ હેવન ખાવડાથી ધોળાવીરાનો 42 કિલોમીટરનો રણ વચ્ચેથી પસાર
થતો રોડ, ખડીરવાસીઓએ આ માર્ગને રોડ ટુ હેવન નામ આપ્યું, જે વિશ્વ વિખ્યાત થયો છે અને આજે દિવાળીની
રજાઓમાં લાખો લોકાએઁ આવીને રણની સુંદરતા નિહાળી
હતી કચ્છ જિલ્લા પંચાયત હસ્તકના એકલથી બાંભણકાનો 25 કિલોમીટરનો માર્ગ 138 કરોડના ખર્ચે બનાવવા આવ્યો
છે. આ માટે અનેક વિઘ્ન આવ્યા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ
આ માર્ગનાં નિર્માણ મામલે મુખ્યમંત્રી સમક્ષ
વ્યાપક સ્તરે રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના હસ્તેક્ષપના લીધે વન
વિભાગની મંજૂરી આપવામાં આવી અને વન્ય નિયમ હેઠળ આ માર્ગ બનાવવામાં આવ્યો છે. આ માર્ગ
અંગે માહિતી આપતા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર એમ.એ. ટોપીવાલા તથા ભચાઉ નાયબ કાર્યપાલક
ઈજનેર જે.એમ. ટાંકે મજબૂત રોડનું નિર્માણ કરાયું હોવાનું જણાવ્યું હતું. રણમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે
પાણીના નિકાલ માટે ઠેર-ઠેર નાળાં મૂકવામાં
આવ્યા છે, આ નાળાં પાસે
પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. રણનાં ખારા પાણી અને ખારી હવાના લીધે નુકસાન
ન થાય તે માટે બંને સાઇડ દીવાલ બનાવવામાં આવી છે, રણથી ત્રણ મીટર
જેટલી ઊંચાઈ ધરાવતા આ માર્ગને રોડ ટુ ઇન્ફિનિટી તરીકે નામ આપવામાં આવ્યું છે. આ માર્ગમાં એકલથી બાંભણકા 25 કિલોમીટર, ધોળાવીરા 42, ખાવડા 91 કિલોમીટર થાય છે તેવી રીતે
બાંભણકાથી ભચાઉ 70, સામખિયાળી
85, રાપર 54 કિલોમીટર થાય છે. ખડીરના લોકોને
પહેલાં ભચાઉ રાપર થઈને આવવા 190 કિલોમીટર થતા હતા, હવે ધોળાવીરા, બાંભણકા,
એકલ, ભરૂડિયા, ભચાઉ માત્ર
86 કિલોમીટર થાય છે . આ રોડથી
લોકોને રાહત મળી છે સાથો સાથ આ રોડની વિખ્યાતિ દિનપ્રતિદિન વધી રહી છે એટલે ભવિષ્યમાં
રોડ ટુ હેવનને પણ પાછળ રાખી દે એ દિવસો દૂર નથી તેવું જાણકારો જણાવી રહ્યા છે. આ માર્ગનો
નજારો બે ઘડી રોકાવવા માટે મજબૂર કરે છે. બન્ને સાઇડ જ્યાં નજર કરો, ત્યાં બરફીલું સામ્રાજય ધરાવતી સફેદીની વચ્ચેથી
સર્પાકારનો માર્ગ અનેરો નજારો ઊભો કરે છે સાથો સાથ ઊગતા અને આથમતા સૂર્યને જોવાનો અનેરો
ઉત્સાહ રહે છે.