ગાંધીધામ, તા. 19 : ચોમાસાંમાં સૌરાષ્ટ્રમાં
પૂરની સ્થિતિનાં કારણે દિવસો સુધી કચ્છના રેલવે વ્યવહારને ભારે અસર પડતી હોય
છે અને માલ પરિવહન પણ અટકી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે રેલવે દ્વારા એક જ બ્લોકમાં માળિયા-મિયાણા ખાતે પૂરથી સુરક્ષા
માટે ત્રણ પુલનું નિર્માણ કરાયું હતું. રેલવેની આ એન્જિનીયરિંગની કામગીરી
કરી અમદાવાદ ડિવિઝને મોટી સફળતા મેળવી
છે. મોરબી જિલ્લામાં આવેલા માળિયા-મિયાણા રેલવે યાર્ડ અને તેની આસપાસના પૂર પ્રભાવિત
રેલખંડોમાં વ્યાપક માળખાંકીય સુધારાનાં કામો કરવામાં આવ્યાં છે. આ કામગીરીની સૌથી મહત્ત્વપૂર્ણ
વિશેષતામાં વિરમગામ-સામખિયાળી મુખ્ય રેલખંડના
માળિયા-વાધરવા સેક્શનમાં એક જ રેલવે બ્લોક
દરમિયાન 500-500 ટનની ક્ષમતા ધરાવતા ત્રણ વિશાળ
ક્રેનની મદદથી ત્રણ રેલવે પુલ બનાવવામાં આવ્યા હતા. ડીઆરએમ વેદપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ પૂરનાં પાણીના
નિકાલ માટે 12 વધારાની જળનિકાસ વ્યવસ્થાઓ
વિકસાવવામાં આવી છે અને 3.7 કિલોમીટર
લાંબી સુરક્ષા દીવાલનું પણ નિર્માણ કરાયું
છે. એક જ બ્લોકમાં ત્રણ પુલો પર કામગીરી કરવી એ રેલવેની સુનિયોજિત કાર્યપદ્ધતિ, તકનીકી કાર્યક્ષમતા, ભારે
મશીનરીના સંકલિત ઉપયોગ અને એન્જિનીયારિંગ ટીમ વચ્ચેના ઉત્તમ તાલમેલનું ઉદાહરણ હોવાનું
ડીઆરએમએ જણાવ્યું હતું. આ પુલોનાં નિર્માણથી પૂર દરમિયાન પાણીના નિકાલ માટે વધારાના
માર્ગો ઉપલબ્ધ થશે, જેના કારણે પાણી રેલવે ટ્રેક પરથી વહેવાને
બદલે નિર્ધારિત જળનિકાસ સંરચનાઓમાંથી પસાર થઈ શકશે. આનાથી રેલવે ટ્રેકની નીચેની માટીનું
ધોવાણ, પાળાઓને નુકસાન અને ટ્રેન વ્યવહાર ખોરવાવાના જોખમ ઘટી
જશે. ભૂતકાળમાં વર્ષ 1979, વર્ષ 2017 અને ઓગસ્ટ 2024માં ભારે વરસાદનાં કારણે પરિવહન નેટવર્ક અને રેલવે માળખાંને વ્યાપક અસર પહોંચી
હતી અને સમગ્ર સેક્શન દિવસો સુધી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ પડકારોને ધ્યાનમાં
રાખીને સાત કિલોમીટર લાંબા સંવેદનશીલ સેક્શનની
સુરક્ષા માટે વ્યાપક એન્જિનીયરિંગ સુધારા કરવામાં
આવ્યા છે. સુરક્ષા દીવાલોથી માટીનું ધોવાણ
અટકશે. અગાઉ આ પુલમાં 600 મિ.મી. વ્યાસના
ત્રણ પાઇપ ઉપલબ્ધ હતા, જે ભારે પૂર
દરમિયાન પાણીના નિકાલ માટે અપૂરતા સાબિત થયા હતા. રેલવે દ્વારા અપલાઇન, ગૂડ્સ લાઇન અને ટ્રેક મશીન સાઇડિંગની નીચે આવેલા જૂના પાઇપ પુલને બદલીને બોક્સ
બ્રિજ બનાવવામાં આવ્યા છે. ડીઆરએમ વેદપ્રકાશે કહ્યું હતું કે, રેલવે મુસાફરોની સુરક્ષા, રેલ સંચાલનની સતત કાર્યક્ષમતા
અને મહત્ત્વપૂર્ણ રેલવે માળખાંને કુદરતી આફતોથી સુરક્ષિત રાખવું રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા
છે. માળિયા -મિયાણા વિસ્તારમાં પૂરનાં કારણે રેલવે ટ્રેક અને તટબંધોને થતાં નુકસાનને
ધ્યાનમાં રાખીને વ્યાપક એન્જિનીયારિંગ સુધારાનાં કામો કરવામાં આવ્યાં છે. ભવિષ્યમાં
પણ આધુનિક એન્જિનીયારિંગ તકનીકો, વધુ સારી આપત્તિ વ્યવસ્થાપન
વ્યવસ્થા અને માળખાંકીય સુધારાઓ દ્વારા રેલ સેવાઓને વધુ સુરક્ષિત, મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે પ્રતિબદ્ધ રહેશે, તેવું
જણાવ્યું હતું.