ભુજ, તા. 1 : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે રાષ્ટ્રીય
એકતા પરેડ યોજાઈ હતી,
જેનું જીવંત પ્રસારણ ગાંધીધામમાં
કરાયું હતું. આ પરેડમાં કચ્છની કૃષિ, રણોત્સવ અને સંસ્કૃતિની
ઝાખી દર્શાવતી કૃતિઓ રજૂ કરાઈ હતી. ગાંધીધામમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ
અમૃતિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રી એકતા દિવસની ઉજવણી કરાઈ હતી. ડો. બાબા સાહેબ આંબેડકર
કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની
ઉપસ્થિતિમાં કેવડીયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું વર્ચ્યુઅલ જીવંત
પ્રસારણ મહાનુભાવો અને નગરજનોએ નિહાળ્યું હતું. એકતા પરેડમાં કચ્છની બે ઝાંખી પ્રસ્તુત
કરાઈ હતી, જેમાં કચ્છના કૃષિ વિકાસને દર્શાવતી કમલમ ફળ સાથેની
ઝાંખી અને રણોત્સવ સાથે કચ્છની સંસ્કૃતિના દર્શન કરાવતી ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું.
ત્યારબાદ ગાંધીધામ ખાતેના કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા
નાગરિકોનું પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું હતું. રાજ્યમંત્રીએ નવજીવન વિકલાંગ સેવાશ્રયના
દિવ્યાંગ બાળકોની કૃતિ નિહાળી તેમનું સન્માન કર્યું હતું. તેમણે પરિસરમાં આયોજિત સ્વદેશી
મેળાની મુલાકાત લઈને સ્ટોલધારકો તેમજ ગ્રાહકો સાથે આત્મીય સંવાદ કરીને સ્વદેશી વસ્તુઓને
અપનાવવા સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઉજવણીના ભાગરૂપે
કચ્છના 655 ગામ, 7 પાલિકામાં રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી કરાઈ
હતી. આ તમામ કાર્યક્રમોમાં એકતા રેલી, એકતા પરેડનું જીવંત પ્રસારણ સાથે સમાજ માટે શ્રેષ્ઠ યોગદાન
આપનાર રાજ્ય કે રાષ્ટ્રકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નાગરિકો, વડીલો, પ્રગતિશીલ ખેડૂતો, શિક્ષકો,
સમાજસેવકો અને સામાજિક સમરસતા માટે યોગદાન આપનાર પૂજારીઓનું પ્રમાણપત્ર
આપીને સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મેયર દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છના પ્રભારી સચિવ અને
રાજ્યના સ્કૂલ કમિશનર આનંદ પટેલ, કલેક્ટર અનિલ રાણાવસિયા,
મ્યુનિસિપલ કમિશનર બી.ડી. ડવેરા, મહાનગરપાલિકા
સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, દંડક સુરેશભાઈ ધુઆ,
પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અગ્રણીઓ ધવલભાઈ
આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, મોમાયાભાઈ ગઢવી,
કલ્પેશભાઈ પટેલ, દેવેન્દ્રાસિંહ જાડેજા,
યાસિકાબેન, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ,
નાયબ મ્યુનિસિપલ કમિશનર ઉર્વિશ વાળંદ અને સંજય રામાનુજ સહિત અધિકારીઓ,
વિવિધ વોર્ડના કોર્પોરેટરે ઉપસ્થિત રહ્યા હતા.