ગાંધીધામ, તા. 1 : ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના રાજ્ય તથા રાષ્ટ્રીય
સ્તરે કચ્છના તબીબોને વિવિધ જવાબદારીઓ મળતાં કચ્છના તબીબી જગતનું પ્રતિનિધિત્વ વધુ
મજબૂત બન્યું છે. આઈએમએ- જીએસબીના વેસ્ટ ઝોનના પૂર્વ ઉપપ્રમુખના સક્રિય નેતૃત્વ અને
કચ્છની બ્રાન્ચોના સહિયારા પ્રયાસોથી આ ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ છે. નવી જવાબદારીઓમાં ડો. બળવંતદાન પી. ખડિયાને આઈએમએ
હેડ ક્વાર્ટર્સની સેન્ટ્રલ વર્કિંગ કમિટીના રેગ્યુલર સભ્ય, ડો. નરેશ જોષીને સોશિયલ સ્કીમના
વેસ્ટ ઝોનના જોઈન્ટ સેક્રેટરી, ડો. મોનિશ ખત્રીને આઈએમએ જીએસબીના
કચ્છ ઝોનલ પ્રતિનિધિ, ડો. બિકેશ મહેતાને સોશિયલ સ્કીમના કચ્છ
ઝોનલ પ્રતિનિધિ તથા ડો. તેજેન્દ્ર રામાણીને હેલ્થ સ્કીમના કચ્છ ઝોનલ પ્રતિનિધિ તરીકેની
જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે ડો. માધવ નાવલેકર પણ આગામી સમયમાં આઈએમએ,જીએસબી તથા આઈએમએ હેડક્વાર્ટર્સની પ્રવૃત્તિઓમાં ટીમના સક્રિય સાથી તરીકે ભૂમિકા
નિભાવશે. આ પ્રસંગે ડો. ખડિયાએ ગુજરાત સ્ટેટ
બ્રાન્ચ અને તમામ સહયોગી બ્રાન્ચોનો આભાર વ્યક્ત
કરતા જણાવ્યું હતું કે, આ કોઈ એક વ્યક્તિની ઉપલબ્ધિ નથી. આ કચ્છના
તબીબોની એકતા, વિશ્વાસ અને સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. મળેલું
પ્રતિનિધિત્વ આપણા સભ્યોના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવાની જવાબદારી પણ લઈને
આવે છે. ડો. કાનાણી, ડો. મહાવીરાસિંહ જાડેજા તથા ભાવનગરના અન્ય
વરિષ્ઠ સાથીઓએ યુવાનોને આગળ કરીને સ્વેચ્છાએ માર્ગદર્શકની ભૂમિકા સ્વીકારવાનો જે નિર્ણય
લીધો છે, તે સંગઠન માટે પ્રેરણાદાયી છે.