• સોમવાર, 02 નવેમ્બર, 2026

દિવાળીની સમીસાંજે 1.11 લાખ દીવડાથી ઝળહળશે ભુજ સ્વામિનારાયણ મંદિર

ભુજ, તા. 1 : પ્રકાશ પર્વ દિવાળીને અનુલક્ષીને  ભુજનાં સ્વામિનારાયણ મંદિરે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દિવાળીના દિને સાંજે ભુજ સ્વામિનારાયણ મંદિર 1,11,111 દીવડાથી ઝળહળી ઊઠશે, તો વળી સંતોની સાથે હરીભક્તો અન્નકૂટ બનાવવામાં વ્યસ્ત છે. સતયુગમાં ભગવાન કૃષ્ણ દ્વારા ગોકુળમાં શરૂ કરાયેલી અન્નકૂટની પરંપરાને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન મંદિરોમાં નૂતન વર્ષના દિવસે અન્નકૂટ ઉત્સવ તરીકે ઊજવાય છે. કોઠારી સ્વામી દેવવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરને 16વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એક ભવ્ય દીપોત્સવ અને મહાઅન્નકૂટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મંદિરને 1,11,111 દીવડાથી સુશોભિત કરાશે અને ભગવાનને 156થી વધુ વાનગીનો ભોગ ધરાવાશે. મંદિરના કાર્યવાહક વહીવટી સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લાં 16 વર્ષમાં મંદિર દ્વારા આયોજિત અન્નકૂટ ઉત્સવોમાં 27 લાખથી વધુ હરિભક્તે પ્રસાદનો લાભ લીધો છે. આ વર્ષે પણ આશરે બે લાખ ભક્તેને પ્રસાદ પહોંચાડવાનું લક્ષ્ય છે. મહાઅન્નકૂટમાં હજારો મણ અનાજ, સૂકામેવા અને અન્ય ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવત-જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોનાં માર્ગદર્શન હેઠળ સંતો, પાર્ષદો, સત્સંગી ભાઈ-બહેનો અને સાંખ્યયોગી બહેનો આ સેવાકાર્યમાં જોડાયા છે. આ દીપોત્સવ મહાપર્વની વ્યવસ્થાઓ માટે 11 જુદી જુદી ટીમો સાથે 100થી પણ વધારે સંત, સાંખ્યયોગી બહેનો, શહેર તેમજ ચોવીસીના હરિભક્તો કાર્યરત છે, જેમાં હરિબળદેવ-દાસજી, કેશવજીવનદાસજી, નારાયણમુનિદાસજી, દેવ વિહારિદાસજી, પુરુષોત્તમ સ્વરૂપદાસજી,  નીલકંઠ-જીવનદાસજી, વેદપ્રકાશદાસજી, દેવપ્રિય દાસજી, સરયુદાસજી, શ્રીવલ્લભદાસજી, દર્શન-પ્રકાશદાસજી, નીલકંઠ- સ્વરૂપદાસજી, ડો. સત્યપ્રસાદ- દાસજી, ખીમજી ભગત, દિનેશ ભગત, નારાણ ભગત તથા કચ્છ નરનારાયણ દેવ યુવક-યુવતી અને મહિલા મંડળ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. - 156 વાનગીનો અન્નકૂટ : આ વર્ષે મહાઅન્નકૂટ માટે 156થી વધુ વાનગી તૈયાર કરાઈ રહી છે, જેમાં મૈસુર, ફાફડા, સુખડી, મોહનથાળ, અડદિયા, પેંડા અને બરફી જેવાં મિષ્ટાન અને ફરસાણનો સમાવેશ થાય છે. આ માટે 4500 કિલો લોટ, ત્રણ હજાર કિલોના ફાફડા, 600 ગુણી ખાંડ, 550દેશી ઘીના ડબ્બા અને 500  તેલના ડબ્બા જેવી વિપુલ સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. - એર કાર્ગોથી વિદેશ પહોંચશે અન્નકૂટ : અન્નકૂટનો પ્રસાદ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા હરિભક્તો સુધી પહોંચાડાશે. અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને યુ.એ.ઈ. જેવા દેશોમાં એર કાર્ગો દ્વારા પ્રસાદ મોકલવાની વ્યવસ્થા કોઠારી સ્વામી નારાયણમુની દ્વારા ગોઠવાઈ રહી છે. - દીપોત્સવી પર્વની રૂપરેખા : તા. 5/11ના વાઘબારસ, તા.6/11ના ધનતેરસ, તા.7/11ના કાળીચૌદસ, તા.8/11ના લક્ષ્મી - ચોપડા પૂજન સાથે (દિવાળી) અને સાંજે ભવ્ય દીપોત્સવ, તા. 9/11 નૂતન વર્ષ સાથે સવારે 9થી સાંજે 5 સુધી દેવો સન્મુખ અન્નકૂટ દર્શન. ભુજ મંદિરના મહંત સ્વામી  ધર્મનંદનદાસજીએ સર્વે હરિભક્તોને ઉપસ્થિત રહી અન્નકૂટ દર્શન અને પ્રસાદનો લાભ લેવા જણાવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd