• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

કચ્છની કલાઓને વિશ્વ ફલક પર લઇ જઇએ

ભુજ, તા. 23 : કચ્છમાં અદ્ભુત કલાઓ પડી છે તેને ભૂંગાઓમાંથી બહાર કાઢીને વિશ્વ ફલક પર લઈ જવાની જરૂર છે. કોઈ પણ કલાને ભક્તિ સ્વરૂપે અપનાવાથી જીવન જીવવાની નવી દિશા મળે છે. તેવું એલ.એલ.ડી.સી. કલાસંગમના ત્રીજા દિવસે નૃત્યકલાની પ્રસ્તુતિ પ્રસંગે ખાસ ઉપસ્થિત ધ્રોલના પટેલ રાસમંડળીના સંચાલક મહેન્દ્ર અણદાણીએ જણાવી કચ્છની લોકકલાઓના દસ્તાવેજીકરણ કરવાની નેમ વ્યક્ત કરી હતી. એલ.એલ.ડી.સી.ના ઈવેન્ટ પી. આર. હેડ મહેશ ગોસ્વામીએ જણાવ્યું કે, કલા એક સાધના છે, ત્યારે સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર પ્રસ્તુતિ પૂરતો સીમિત નથી, પરંતુ આગળ વધવાના દ્વાર ખોલવાનો છે. કલાતીર્થ  સુરતના રમણીક ઝાપડિયાએ કલા રાષ્ટ્ર-નિર્માણ માટે ખૂબ જ મહત્ત્વનું માધ્યમ ગણાવ્યું હતું. કલા પ્રોત્સાહક દેવેન્દ્ર શાહે કચ્છની કલાઓમાં ઘણી શક્તિઓ હોવાનું જણાવ્યું હતું. એલ.એલ.ડી.સી.ના મેનાજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે ભુજ ટાઉન હોલમાં ત્રણે દિવસ કલાકારો અને કલાચાહકો ઉપસ્થિત રહ્યાનો રાજીપો વ્યક્ત કરીને આ યાત્રા આપણે સૌ સાથે મળીને આગળ વધારીશું એવી અભિલાષા વ્યક્ત કરી હતી. નૃત્ય કલાસંગમમાં 20 જેટલી વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓએ મંચને ગજાવીને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. આરંભમાં એલ.એલ.ડી.સી.ના મહેશ ગોસ્વામી, ચૈતન્ય શ્રોફ, ક્રિશની શ્રોફ, દેવેન્દ્ર શાહ, મહેન્દ્ર અણદાણી, રમણીક ઝાપડિયા, કનુ પટેલ, નિસર્ગ આહીર, ચિન્મય ભટ્ટ, દેવાંશી ગઢવી, વૈશાલી સોલંકી, હસમુખ શાસ્ત્રી, પંકજ ઝાલા વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં કચ્છીયત ફાઉન્ડેશન, સંવેદના, મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય વિગેરે સહયોગી બની છે. સંચાલન કપિલ ગોસ્વામીએ અને આભારવિધિ એચ.આર. હેડ ભૌતિક વૈષ્ણવે કરી હતી.  એડમીન હેડ વિમલ મહેતા અને સમગ્ર ટીમે વ્યવસ્થા સંભાળી હતી.

Panchang

dd