ભુજ, તા. 23 : રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો દ્વારા
વિશ્વ અંગદાન નિમિત્તે આયોજિત જાગૃતિ વાર્તાલાપ કાર્યક્રમમાં શહેરના ઓર્થો સર્જન ડો.
સુરેશ રૂડાણીએ અંગદાનનું પ્રમાણ વધારવા ધાર્મિક સંસ્થાઓને અભિયાનમાં જોડવા પર ભાર મૂક્યો
હતો. રોટરી હોલ ખાતે ક્લબના પ્રમુખ વિનુદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં
ડો. રૂડાણીએ વધુમાં કહ્યું કે, વિવિધ
ધાર્મિક સંસ્થાઓના ધર્મગુરુઓના માધ્યમથી સંસ્થાઓ મારફતે સંદેશ જાય તો આ અંગે પ્રવર્તતી
કેટલીક ગેરસમજ દૂર થઈ શકે છે. સાથે જ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને અંગદાનનું મહત્ત્વ
સમજાવાય તો ભવિષ્યમાં વધુ લોકો આગળ આવી શકે છે. તેમણે અંગદાન અને દેહદાન કોણ કરી શકે
અને તે અંગે પ્રવર્તતી માન્યતાઓ તેમજ અનેક આનુસંગિક બાબતો જણાવી હતી. અંગદાન જરૂરિયાતથી
ખુબ જ ઓછું થતું હોવાનું જણાવતાં કચ્છમાં અત્યાર સુધી છ જેટલા અંગદાન થયા હોવાની વિગતો
આપી હતી. પ્રારંભમાં મુખ્ય વક્તાનું સ્મૃતિચિહ્ન દ્વારા ક્લબના સિનિયર સભ્ય જ્યોતિધર
ધોળકિયા, જિગ્નેય ભાસ્કરભાઈ અંતાણી, મંત્રી
કપિલ ગોર વિગેરે દ્વારા સન્માન કરાયું હતું. પ્રમુખ વિનુદાન ગઢવીએ શિક્ષણમાં આ વિષયને
આવરી લેવાય તે માટે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત માટે પણ ઠરાવ કર્યો હતો. આ પ્રસંગે ડો.
કે. વી. પુજારા, મિલિંદ વૈદ્ય, વિમલ મહેતા,
ધવલભાઈ પાઠક, દિનેશ રામાનુજ, સંજય પુજારા, મુકેશ ગોર, જગદીશભાઈ
બચાણી, મહેશભાઈ પલણ, મુકેશ ગોર વગેરેએ રસપ્રદ
પ્રશ્નોત્તરી કરી હતી.