અંજાર, તા. 18 : શહેરમાં ભીડભંજન મહાદેવ, સવાસર નાકાથી સ્વામિનારાયણ મંદિર સુધીના મુખ્ય
માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર
રીતે વધ્યું છે. ખાસ કરીને ગંગાનાકાથી નવા અંજાર બસ સ્ટેન્ડ સુધીના માર્ગ પર દિવસ દરમિયાન
ભારે વાહનવ્યવહાર રહેતો હોવાથી સ્થાનિક લોકો, વેપારીઓ તથા વાહનચાલકોને
ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ નિવારવા એસ.ટી. બસના રૂટને બદલાવવાની
માંગ પ્રબળ બની છે.
કળશ, જીઆઈડીસી અંડરબ્રિજ
રૂટ બની શકે છે વિકલ્પ
એસ.ટી.ની એક્સપ્રેસ બસો કળશ સર્કલથી જીઆઈડીસી વિસ્તારમાં થઈને
વરસામેડી નાકા અંડરબ્રિજ મારફતે નવા અંજાર બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવામાં આવે, તો શહેરની મુખ્ય બજાર તથા આંતરિક માર્ગો પરથી
પસાર થતી મોટી સંખ્યામાં બસોનો ટ્રાફિક ઘટાડી શકાય તેમ છે. શહેરમાંથી આશરે 150થી વધુ એક્સપ્રેસ એસ.ટી. બસોની
અવરજવર થતી હોવાનું જાણવા મળે છે. આટલી મોટી સંખ્યામાં બસો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાથી સામાન્ય
વાહનવ્યવહાર ઉપર પણ તેની સીધી અસર પડે છે.
લોકલ મુસાફરોને નહીં પડે ખાસ મુશ્કેલી
એક્સપ્રેસ બસોને વૈકલ્પિક રૂટ પર વાળવાની વાત સામે કેટલાક મુસાફરોને
મુશ્કેલી પડશે તેવી શક્યતા વ્યક્ત થઈ શકે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ જોવામાં આવે, તો લાંબી મુસાફરી
કરતા મોટાભાગના મુસાફરો બસ સ્ટેશનથી જ પ્રવાસ શરૂ કરે છે. બીજી તરફ અંજારની લોકલ મુસાફરી
માટેની બસ સેવા શહેરમાં યથાવત્ રાખી શકાય છે. એટલે ગંગાનાકા, સવાસર નાકા તથા શહેરના અન્ય વિસ્તારોમાંથી સ્થાનિક મુસાફરોને મોટી મુશ્કેલી
ઊભી થાય તેવી શક્યતા ઓછી છે.
વેપારીઓને પણ મળશે મોટી રાહત
અંજારની મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યાની સીધી અસર વેપારીઓ
ઉપર પણ પડી રહી છે. સતત બસો અને અન્ય વાહનોની અવરજવર વચ્ચે ગ્રાહક પોતાનાં વાહનને દુકાનની
બહાર બે મિનિટ માટે પણ રોકી ખરીદી કરી શકે તેવી સ્થિતિ રહેતી નથી. ટ્રાફિકનું ભારણ
ઘટે, તો બજારમાં વાહનચાલકો માટે અવરજવર સરળ બનશે
અને ગ્રાહકો દુકાનો પાસે વાહન રોકીને ખરીદી કરી શકશે. પરિણામે વેપારીઓને પણ ટ્રાફિકની
સમસ્યામાંથી મોટી રાહત મળી શકે છે.
અન્ય શહેરોમાં પણ અપનાવવામાં આવી ચૂક્યો છે આવો ઉકેલ
અંજાર માટે આ કોઈ નવી કે અશક્ય વ્યવસ્થા નથી. આદિપુર, ગાંધીધામ, ભચાઉ,
મોરબી સહિત અનેક શહેરોમાં વર્ષો અગાઉ એક્સપ્રેસ બસો શહેરની મુખ્ય બજાર
અને આંતરિક રસ્તાઓમાંથી પસાર થતી હતી, પરંતુ સમય જતાં શહેરોમાં
વાહનોની સંખ્યા અને ટ્રાફિક વધ્યો, ત્યારે સ્થાનિક ટ્રાફિકની
સમસ્યાને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ બસોને શહેરના મુખ્ય માર્ગોથી દૂર કરીને બાયપાસ
અથવા વૈકલ્પિક રૂટ પર દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રકારે અંજારમાં પણ ઉકેલ
લવાય તે જરૂરી છે.
તાત્કાલિક વ્યવહારુ નિર્ણયની જરૂર
અંજાર શહેરના વિકાસ સાથે વાહનોની સંખ્યા સતત વધી રહી છે. આગામી
સમયમાં શહેરનો વિસ્તાર અને વાહનવ્યવહાર બંને વધવાના છે. આવી સ્થિતિમાં શહેરના મધ્યમાંથી
દરરોજ મોટી સંખ્યામાં એક્સપ્રેસ બસોની અવરજવર ચાલુ રાખવી લાંબા ગાળે ટ્રાફિક વ્યવસ્થા
માટે પડકારરૂપ બની શકે છે. તેથી એસ.ટી. વિભાગ, સ્થાનિક વહીવટી તંત્ર, ટ્રાફિક પોલીસ તથા અંજાર નગરપાલિકા
દ્વારા સંયુક્ત રીતે સ્થળ પર ટ્રાફિક સર્વે કરી કળશ, જીઆઈડીસી,
વરસામેડી નાકા, અંજાર બસ સ્ટેશને રૂટને એક્સપ્રેસ
બસો માટે વૈકલ્પિક માર્ગ તરીકે અમલમાં મૂકવાની શક્યતા તપાસવી જોઈએ. જો આ વ્યવસ્થા સફળ
થાય, તો શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે,
બજારોમાં વેપારીઓ અને ગ્રાહકોને રાહત મળશે, વાહનચાલકોનો
સમય બચશે અને અકસ્માતની શક્યતાઓમાં પણ ઘટાડો થઈ શકે છે. અંજારના વિકાસ સાથે હવે ટ્રાફિક
વ્યવસ્થામાં પણ સમયની જરૂરિયાત મુજબ ફેરફાર જરૂરી છે. શહેરની મધ્યમાંથી પસાર થતી એક્સપ્રેસ
બસોને વૈકલ્પિક રૂટે વાળવાનો નિર્ણય અંજારની ટ્રાફિક સમસ્યાના ઉકેલ તરફનું મહત્ત્વનું
પગલું સાબિત થઈ શકે છે તેવું શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.