• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

માંડવીના રહેણાક વિસ્તારમાં રોજડું ભુરાટું થતાં ભય ફેલાયો

માંડવી, તા. 18 : સીમાડો સૂકો હોવાથી પેટનો ખાડો પૂરવાના સાંસા હોવાથી વગડાઉ પ્રાણીઓ-જીવો હવે માનવવસ્તી તરફ રઝડવા મજબૂર હોવાની રાડો સંભળાઈ રહી છે. એની સમાંતરે ગત મધ્ય રાત્રે બંદરીય શહેરના સોસાયટી વિસ્તારમાં નીલગાય-રોઝડું ભુરાટું થઈ આવી ચડતાં અને પૂરપાટ દોડતાં રહેવાસીઓ હાંફડાફાંફડા બન્યા હતા. આંતર માર્ગો ઉપર દોડાદોડ કરતાં રોઝડાએ દ્વિચક્રી વાહનોને લપેટમાં લઈ નુકસાન પહોંચાડયું હોવાનું જાણવા મળ્યું હતું. ગત રાત્રે સાડા અગિયાર આસપાસ ઉમિયાનગર, હરિનગર, અયોધ્યાનગર વગેરે સોસાયટી વિસ્તારેમાં નીલગાય ચડી આવતાં ભય પ્રસરી ગયો હતો. ગરમીમાં ખુલ્લી હવા ખાવા રસ્તાઓ ઉપર, આંગણામાં, ખુલ્લી જગ્યાએ ઓટલા ઉપર રહેવાસીઓ બેઠા હતા, તો કેટલાય પથારીમાં આળોટી રહ્યા હતા, ત્યારે ઓચિંતો વાહનો પછડાવાનો અવાજ, ધડાકા કાને પડતાં લોકો બહાર દોડી આવ્યા હતા. આ દરમિયાન માર્ગ શોધવા મથી રહેલું અને મૂંઝાયેલું રોઝડું પૂરઝડપે દોડતું નજરે પડયું હતું. વહેલી સવારે શાકભાજીની ફેરી કરતા એક મહારાજનું વાહન લપેટમાં આવતાં વાહનને મોટુ ં નુકસાન થયું હતું. કોઈની રેંકડી ઊંધી વળી ગઈ જોવાઈ. સદ્ભાગ્યે માનવી અકસ્માતનો ભોગ બનતા ઊગરી ગયો હતો. ખેંચાયેલા વરસાદને લીધે સીમાડે ખોરાકની તાણ વર્તાય છે. જળાશય ખાલી હોવાથી વગડાઉ જીવો, ક્યાંક મગર, દીપડા જેવા હિંસક જીવો ઉપરાંત વીંછી-સર્પ વગેરે ભયનું વાતાવરણ ખડું કરી રહ્યા હોવાની રાડો બહાર આવી રહી છે. દરમ્યાન ખાલી જળાશયો નર્મદા નહેર વાટે ભરવાની માંગ ઊઠી રહી છે. મસ્કા વિસ્તાર, શીતલા મંદિર સામેની દિશા નીલગાયોના ઉતારા મનાય છે. કમસેકમ, મૂંગા જીવો ઉપર કૃપા કરી મેઘરાજાને ન્યાલ થવા અરદાસ કરાઈ રહી છે.

Panchang

dd