ગાંધીધામ, તા. 18 : ભચાઉ તાલુકાના ખારોઈ નર્મદા
કેનાલ પાસે ગોળીબાર સાથે માવજીભાઈ ભુરાભાઈ
વરચંદની હત્યા પ્રકરણમાં અદાલતે એક આરોપીને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી
ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો અનુસાર ગત તા. 18/1/2022નાબપોરે 12 વાગ્યાના અરસામાં હત્યાનો આ
બનાવ બન્યો હતો. ફરિયાદી ભરતભાઈ વેલાભાઈ તેજાભાઈ વરચંદે આરોપી શામજી વસાભાઈ ભુરાભાઈ
વરચંદ (રહે. ચોબારી, મોમાયમોરા,
તા. ભચાઉ) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે,
આરોપી શામજીભાઈએ ફરિયાદી તથા સાહેદની મોટરસાઈકલની સાઈડ કાપીને વાહન ઊભું
રાખીને નાની બંદૂક પિસ્તોલ કાઢી મૃતક માવજીભાઈ ભુરાભાઈ વરચંદ ઉપર બે -ત્રણ રાઉન્ડ ફાયરિંગ
કર્યા હતા. બચાવ માટે માવજીભાઈ દોડવા લાગ્યા હતા અને સો એક ફૂટના અંતરે તેઓ પડી ગયા
હતા. ત્યારબાદ પણ આરોપીઓ પોતાની મોટરસાઈકલ પાસે ગયા હતા. જમીન ઉપર પડેલા માવજીભાઈ ઉપર
વધુવાર ગોળીબાર કર્યો હતો. ત્રણ વર્ષ અગાઉ થયેલી બોલાચાલી-ઝઘડાનાં મન:દુખ મુદ્દે આરોપીએ
આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ કેસ ભચાઉના અધિક
ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ ન્યાયાધીશ સમક્ષ ચાલી ગયો હતો. અદાલતે 37 સાહેદનાં નિવેદન અને
72 જેટલા દસ્તાવેજી પુરાવા તથા
બંને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ આરોપી શામજીભાઈ વસરામભાઈ ઉર્ફે વસાભાઈ વરચંદને તકસીરવાન
ઠેરવીને આજીવન કેદની સજા તથા 51 હજારનો દંડ કર્યો હતો. જો દંડની
રકમ ન ભરે, તો વધુ એક માસની સાદી કેદની
સજા કરવા ઠરાવવામાં આવ્યુ હતું. આ ઉપરાંત મૃતકના પિતા ભુરાભાઈ મેરાભાઈ વરચંદને પાંચ
લાખ વળતર પેટે ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છ એડ ભુજને ભલામણ કરાઈ
હોવાનું પણ આ ચુકાદામાં વર્ણવામાં આવ્યુ છે. આ કેસમાં સરકાર તરફે ધર્મેન્દ્રસિંહ એસ.જાડેજાએ
દલીલો કરી હતી. આ ઉપરાંત અદાલતે આ પ્રકરણમાં સામેલ અન્ય આરોપી પ્રવીણ ઉર્ફે ભાણુભા
વસરામ ઢીલા, ભવરલાલ બાદરરામ દેવશી, અનિતકુમાર
રામકિશન જાટ, શંભુ ઉર્ફે શિવો લાલજીભાઈ ચાવડાને નિર્દોષ છોડી મૂકવા આદેશ આપ્યો હતો. બચાવ પક્ષે
ધારાશાત્રી હિતેન્દ્રસિંહ વાઘેલા, હરેશ કાંઠેચા, નરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિન ઢીલા, મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશ વાણિયા, મુકેશ પરમાર, હરપાલસિંહ જાડેજા, મનોજ દાફડ રહ્યા હતા.